Ahmedabad Demolition Drive: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાલુપુર રેલવેસ્ટેશનના ચાલુ પુનર્વિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મનપાએ કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા વિવિધ રસ્તાઓ પહોળા કરવાની કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત ડિમોલિશન કાર્યવાહી પણ કરવામાં આવશે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન આવતા સેંકડો મુસાફરોની સુગમ અવરજવર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ ઘટાડવા માટેની યોજનાના ભાગરૂપે AMC દ્વારા સારંગપુર સર્કલથી DCP ઝોન-3 ઓફિસ સુધીના હાલના 18 મીટર પહોળા રસ્તાને 30 મીટર સુધી પહોળો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો
આ માટે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ (GPMC Act) ની કલમ 210 હેઠળ જાહેર નોટિસ બહાર પાડીને સૂચિત રોડ લાઇન અંગે જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નિયત કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રોડ લાઈનમાંઆવતી આશરે 17 મિલકત દૂર કરવામાં આવશે અને 2,965 ચોરસ મીટર જમીન હાલના રસ્તામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત, AMC દ્વારા સારંગપુર સર્કલથી રોઝી સિનેમાને જોડતા રસ્તા પર આવેલી દુકાનો અંગે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દુકાનોમૂળ AMC દ્વારા ભાડા અને પરમિટના આધારે ફાળવવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંબંધિત દુકાનદારોને નોટિસ પાઠવીનેજગ્યાનો કબજો સોંપી દેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા પછી AMC આ વિસ્તારમાંથી નડતરરૂપ દબાણો દૂર કરીને કાલુપુર રેલવેસ્ટેશનને જોડતો પહોળો રસ્તો જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મૂકશે.
આ મહત્વપૂર્ણ પહેલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચવું વધુ સરળ બનશે, મુસાફરોની અવરજવર સુગમ થશે, આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને સમગ્ર પરિવહન માળખું વધુ મજબૂત બનશે. રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશનને આધુનિક સુવિધાથી સજ્જ મોડેલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે કામગીરી પૂર્ણ થયા બાદ દૈનિક આશરે 3.12 લાખ મુસાફરોની અવરજવર ક્ષમતા ધરાવશે.
