Ahmedabad Demolition: દરિયાપુરમાં AMC દ્વારા બુલડોઝર કાર્યવાહી, 4 માળનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું

અગાઉ અમદાવાદ કોર્પોરેશને આ ગેરકાયદેસર બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 09:48 PM (IST)Updated: Tue, 27 Oct 2026 09:48 PM (IST)
ahmedabad-dariyapur-illegal-four-storey-building-demolition-by-amc

Ahmedabad Demolition News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મધ્ય ઝોન એસ્ટેટ અને T.D.O. વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સીધી રાહબરી હેઠળ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત દરિયાપુર વિસ્તારમાં એક ચાર માળની ઇમારત તોડી પાડવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાએ આપેલી માહિતી અનુસાર, દરિયાપુર-શાહપુર વિસ્તારમાં 244, સગરવાડ, મંકોડી પાડાની પોળ, મદહ શાહ મદારની સામેની ગલી ખાતે ચુનીલાલ ખુલા અને શેખ શહનાઝ બાનોફરીદમોહમદ તથા બાંધકામ કરનાર તમામ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી આશરે 2,320.00 ચોરસ ફૂટનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં કલમ-267 મુજબ તારીખ 30 સપ્ટેમ્બરના કલમ-260 (1) મુજબ 1 ઓક્ટોબરના રોજ તથા કલમ-260(2) મુજબ તારીખ 9 ઓક્ટોબરના રોજ કારણદર્શક નોટિસ પણ આપી હતી. આ નોટિસો આપવા છતાં પણ માલિકો કે બાંધકામ કરનાર દ્વારા સ્વેચ્છાએ આ દબાણ કે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું.

જેથી આજે 27 ઓક્ટોબરના રોજ અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ કાફલાને સાથે રાખી બિન પરવાનગીનું રહેણાંક બાંધકામ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે. આ ડિમોલિશન કામગીરી અંગે નાયબ નગર વિકાસ અધિકારી (મધ્ય ઝોન) ના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર અને બિન પરવાનગીનું બાંધકામ દૂર કરવાની આ ઝુંબેશ અને આકરી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.