Ahmedabad to Darbhanga Special Train 2026: શિયાળાની સિઝનમાં વતન જતા મુસાફરોની ભારે ભીડ અને ટિકિટની અછતને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે. રેલવે તંત્ર દ્વારા અમદાવાદ અને બિહારના દરભંગા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ખાસ ટ્રેન સેવા આગામી 20 નવેમ્બર અને 27 નવેમ્બર 2026ના રોજ અમદાવાદથી શરૂ થશે, જેનાથી ઉત્તર ભારત અને બિહાર તરફ જતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે.
કઈ તારીખે અને કેટલા વાગ્યે ઉપડશે ટ્રેન?
મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા બંને તરફની ટ્રીપનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદથી દરભંગા (ટ્રેન નંબર 09465): આ સ્પેશિયલ ટ્રેન 20 નવેમ્બર અને 27 નવેમ્બર 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ સ્ટેશનથી રાત્રે 8:25 વાગ્યે (20:25 કલાકે) રવાના થશે. મુસાફરી પૂર્ણ કરીને આ ટ્રેન ત્રીજા દિવસે એટલે કે રવિવારે સવારે 10:30 વાગ્યે દરભંગા પહોંચશે.
દરભંગાથી અમદાવાદ (ટ્રેન નંબર 09466): પરત ફરતી વખતે આ ટ્રેન 23 નવેમ્બર અને 30 નવેમ્બર 2026 (સોમવાર)ના રોજ દરભંગાથી વહેલી સવારે 3:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે મંગળવારે સાંજે 4:35 વાગ્યે (16:35 કલાકે) અમદાવાદ પરત ફરશે.
અમદાવાદથી દરભંગાની ટિકિટના દર કેટલા રહેશે?
આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરો પોતાના બજેટ મુજબ અલગ-અલગ ક્લાસમાં મુસાફરી કરી શકશે. રેલવેના નિર્ધારિત દર મુજબ, સેકન્ડ સિટિંગ (2S) માટે 530 રૂપિયા, સ્લિપર ક્લાસ માટે 975 રૂપિયા અને એસી 3-ટાયર (3A) માટે 2,420 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. મુસાફરો આ ટ્રેનની ટિકિટ રેલવેના પીઆરએસ (PRS) કાઉન્ટર પરથી અથવા તો IRCTCની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુક કરાવી શકે છે.
કયા-કયા મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
ગુજરાતથી બિહાર સુધીની આ લાંબી મુસાફરી દરમિયાન ટ્રેન બંને દિશામાં અનેક મહત્વના રેલવે જંક્શન પર ઊભી રહેશે. જેમાં વડોદરા નજીકના છાયાપુરી સહિત રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી, છપરા, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનનો સમાવેશ થાય છે.
