Chambal Murder Case: ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરના જ પારિવારિક સભ્ય અને મધ્યપ્રદેશના ચકચારી હત્યાકાંડના વોન્ટેડ આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના બે પરિવારો વચ્ચે જમીનના વિવાદમાં એક જ પરિવારની 3 મહિલાઓ અને 3 પુરુષોની ગોળી મારી હત્યા કરનાર આરોપી 3 વર્ષથી પોલીસને ચકમો આપીને ફરી રહ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણામાં 7 દિવસનું સ્પેશિયલ ઓપરેશન ચલાવી આરોપી રામસિંહ ધીરસિંહ તોમરને દબોચી લીધો હતો.
લગ્ન પ્રસંગે બંદૂકો સાથે હુમલો, 6 લોકોની હત્યા
મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના મુરેના જિલ્લાના લેપા ગામે વર્ષોથી બે પરિવારો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. 5 મે 2023 ના રોજ રણજીતસિંહ મુન્નેસિંહતોમરના પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે પરિવારના સભ્યો લેપા ગામે આવ્યા હતા. તે સમયે બીજા જૂથના આરોપી રામસિંહ ધીરસિંહ તોમર અને તેના પરિવારના સભ્યોએ બંદૂકો લઈને હુમલો કરી દીધો હતો.
અંધાધૂંધ ગોળીબારમાં રણજીતસિંહના પરિવારની 3 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 6 લોકો ઢળી પડ્યા હતા. જેમાં પિતા ગજેન્દ્રસિંગ બદલુસિંગ તોમર, દીકરા સત્યપ્રકાશસિંગ ગજેન્દ્રસિંગ તોમર, બીજા દીકરા સંજુસિંગ ગજેન્દ્રસિંગ તોમર, પુત્રવધૂ મધુદેવી સુનિલસિંહ તોમર, પુત્રવધૂ બબલી દેવી નરેન્દ્રસિંગ તોમર અને પુત્રવધૂ કેશકલીદેવી વિરેન્દ્રસિંગ તોમરના મોત થયા હતા.
10 વર્ષ જૂના બદલાની આગમાં લોહિયાળ ખેલ
આ ભયાનક હત્યાકાંડ બાદ સિહોનિયા પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ પર ₹30,000 નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ હત્યાકાંડ અચાનક થયેલી બબાલનું પરિણામ નહોતો, પરંતુ 10 વર્ષ જૂના બદલાની આગ હતી.
લેપા ગામમાં જ વર્ષ 2013 માં જમીન વિવાદના કારણે હાલના પકડાયેલા આરોપી રામસિંહ તોમરના કાકા વિરભાણસિંહ અને મોટા કાકા શોભરણસિંહની રણજીતસિંહ તોમરના પરિવારે હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા માટે રામસિંહ અને તેનો ભાઈ છેલ્લા 10 વર્ષથી તક શોધી રહ્યા હતા. જ્યારે રણજીતસિંહનો પરિવાર લગ્ન પ્રસંગે ગામમાં આવ્યો, ત્યારે રામસિંહે ગોળીઓ વરસાવીને પોતાના કાકાની હત્યાનો બદલો લીધો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપ્યો
6 લોકોની હત્યા કર્યા બાદ આરોપી રામસિંહ ધીરસિંહ તોમર ફરાર થઈ ગયો હતો. તે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં પોતાની ઓળખ છુપાવીને સિક્યુરિટી ગાર્ડ અને મજૂર તરીકે કામ કરતો રહ્યો હતો.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપી હરિયાણાના ગુરુગ્રામમાં ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં કામ કરી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ગુરુગ્રામ પહોંચી હતી, ગઢી-હરસરુ રોડ પર વોચ ગોઠવી અને વેશપલટો કરીને શ્રમિક તથા સ્થાનિક બનીને આરોપી રામસિંહ તોમરને ઝડપી પાડ્યો હતો.
પાનસિંહ તોમર સાથે સંબંધ અને ગુનાહિત ઈતિહાસ
મુરેના હત્યાકાંડના આરોપીનું પાનસિંહ તોમર સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે, જેમાં આરોપી દાવો કરી રહ્યો છે કે પોતે પાનસિંહ તોમરનો પારિવારિક સંબંધી છે. પકડાયેલા આરોપી રામસિંહ તોમરનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેની સામે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોરમી પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો છે.
વર્ષ 2012 માં ડાકુ પાનસિંહ તોમર પર 'પાન સિંહ તોમર' નામથી ફિલ્મ બની છે, તેઓ ભીડોસા ગામના વતની હતા, જે લેપા ગામની નજીક આવેલું છે. પાનસિંહ તોમરનો ગામલોકો સાથે જમીન અંગે વિવાદ થયો હતો, જેના કારણે તેઓ ડાકુ બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ બંને ગામો એકસાથે 'લેપા-ભિડોસા' તરીકે ઓળખાય છે.
