Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારી અને વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરુ પાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ-ગવર્નિંગ કમિટી દ્વારા અમદાવાદ શહેરનો અત્યાધુનિક જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેટાબેઝ તૈયાર કરવાની મંજૂરી આપી દીધી છે. આશરે 240 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં શહેરની 25 લાખ મિલકતોનું જીઓ કોડિંગ કરાશે તેમજ વર્ષો જૂની પાણી, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનોનું થ્રીડી મેપિંગ કરવામાં આવશે।
2.5 વર્ષમાં કામગીરી થશે પૂર્ણ
આ પણ વાંચો
આ સમગ્ર સર્વે પ્રોજેક્ટ ખાનગી એજન્સી જેનેસિસ ઇન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અઢી વર્ષ એટલે અંદાજે 30 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. સર્વે પૂરો થયા બાદ આગામી 5 વર્ષ સુધી કંપની જ તેના મેન્ટેનન્સની જવાબદારી સંભાળશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં 9 લાખ અને બીજા તબક્કામાં 16 લાખ મિલકતોનું જીઓ કોર્ડિંગ હાથ ધરાશે. આ જીઆઈએસ ડેટાનો ઉપયોગ AMCના તમામ વિભાગો એક જ પ્લેટફોર્મ પરથી કરી શકશે.
3D મેપ અને જીઓ-કોડિંગ સર્વે કેવી રીતે થશે?
| ટેકનોલોજી / પદ્ધતિ | કામગીરીની વિગત |
| ડ્રોન અને એરિયલ સરવે | હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સર દ્વારા સમગ્ર શહેરનો 3D નકશો તૈયાર કરાશે. |
| GPR (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) | રસ્તા નીચે રહેલી ગટર, પીવાના પાણી અને સ્ટોર્મ વોટર લાઈનોની ઊંડાઈ અને લોકેશન કેપ્ચર થશે. |
| ડિજિટલ ડોર આઈડી | ઘરે-ઘરે સરવે કરી દરેક મિલકત/દુકાનને યુનિક ડિજિટલ આઈડી અપાશે. |
| 360° સ્ટ્રીટ વ્યૂ | વાહનો પર સેન્સર લગાવી રસ્તા, ઈમારતો અને ટ્રાફિક સિગ્નલ રેકોર્ડ કરાશે. |
| એન્ટરપ્રાઈઝ GIS પ્લેટફોર્મ | તમામ વિગતો એકત્રિત કરી AMCના સોફ્ટવેર સાથે ઈન્ટિગ્રેટ કરાશે. |
અમદાવાદવાસીઓને મળશે મુખ્ય ફાયદો
- પબ્લિક પોર્ટલ દ્વારા નાગરિકો ઘરે બેઠા શહેરની ભૌગોલિક સ્થિતિ અને સિવિક સુવિધાઓ જોઈ શકશે.
- અંડરગ્રાઉન્ડ લાઈનો માટે આડેધડ ખોદકામ બંધ થશે, જેથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે.
- બિલ્ડીંગ પ્લાન, ફાયર એનઓસી અને ટેક્સ સંબંધિતસ કામગીરી ડિજિટલ થતાં પારદર્શિતા વધશે.
- ગટર કે રોડના ખાડાની ફરિયાદ જીઓ ટેગિંગ સાથે થશે, જેથી AMC અધિકારીઓ તુર્ંત સ્થળ પર પહોંચી કામગીરી કરશે.
આ પ્રોજેક્ટથી કોર્પોરેશનને શું ફાયદો?
- ટેક્સની આવકમાં વધારો: ચોપડે ન નોંધાયેલી મિલ્કતો ઓળખાતા પ્રોપર્ટી ટેક્સની આવક વધશે.
- સચોટ રિપેરિંગ: પાણી કે ગટરની લાઇનમાં લીકેજ થાય ત્યારે આખો ખોદવાને બદલે માત્ર ફોલ્ટવાળી જગ્યાએ જ ખોદકામ કરવું પડશે.
- દબાણો પર રોક: AMCની માલિકીના પ્લોટ, રિઝર્વ સ્પેસ અને એસ્ટેટ મિલકતોનું જીઓ-કોડિંગ થવાથી ગેરકાયદેસર દબાણો તુરંત પકડાશે.
- સ્માર્ટ સિટી પ્લાનિંગ: 3D મોડેલના આધારે ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝોનિંગનું સચોટ આયોજન શક્ય બનશે.
