10 લાખનો ખર્ચ ફ્રી! અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કરી કમાલ, અશક્ય ગણાતી સર્જરી સફળ બનાવી આપ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લેડર એક્ષટ્રોફી જેવી દુર્લભ જન્મજાત ખામીની નિઃશુલ્ક જટિલ સર્જરી કરીને છેલ્લા 100 દિવસમાં 8 બાળકોને નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ મેડી સિટીની આ મોટી સિદ્ધિ વિશે અહીં જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 13 Sep 2026 10:01 PM (IST)Updated: Sun, 13 Sep 2026 10:01 PM (IST)
ahmedabad-civil-hospital-performs-rare-bladder-exstrophy-surgery

Ahmedabad Civil Hospital: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 'મેડી સિટી' બનાવવાનો જે સેવાકીય સંકલ્પ લીધો હતો, તે આજે સાકાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 100 દિવસના ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલના તબીબોએ શરીરની બહાર રહેલા મૂત્રાશયની અત્યંત દુર્લભ જન્મજાત ખામીથી પીડાતા 8 માસૂમોની સફળ જટિલ સર્જરી કરીને તેમને માત્ર નવજીવન જ નહીં, પરંતુ એક ગૌરવપૂર્ણ જીવનની અમૂલ્ય ભેટ આપી છે. વર્ષ 2009થી અત્યાર સુધીમાં અહીં 300થી વધુ આવી જટિલ સર્જરી સફળતાપૂર્વક થઈ ચૂકી છે, જેના કારણે સિવિલ મેડી સિટી આજે આશાનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે.

શું છે 'બ્લેડર એક્ષટ્રોફી' અને કેટલી દુર્લભ છે આ ખામી?

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, જન્મજાત ખામીને કારણે બાળકોમાં શરીરની બહાર મૂત્રાશય રહેવાની આ સમસ્યાને તબીબી ભાષામાં Bladder Exstrophy–Epispadias Complex કહેવામાં આવે છે.

આ અત્યંત દુર્લભ ખામી અંદાજે 40 થી 50 હજાર બાળકોમાંથી કોઈ એકાદ બાળકમાં જ જોવા મળે છે.

આ સમસ્યા સામાન્ય રીતે કન્યાઓ કરતાં દીકરાઓમાં વધુ નોંધાય છે, જેમાં દર બે-ત્રણ બાળકની સામે એકાદ બાળકીમાં આ ખામી જોવા મળે છે.

પહેલાંના સમયમાં આ ખામી ધરાવતા બાળકો માટે સામાન્ય જીવન જીવવું અશક્ય માનવામાં આવતું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલના બાળ સર્જનોએ પોતાની કુશળતાથી આ અશક્ય બાબતને શક્ય કરી બતાવી છે.

દેશભરમાંથી આવેલા બાળકોને મળી નિઃશુલ્ક સારવાર

સિવિલ મેડી સિટીની ઉત્તમ સેવા અને સજ્જતાની ખ્યાતિ હવે સમગ્ર દેશમાં પ્રસરી ચૂકી છે. છેલ્લા 100 દિવસમાં સફળ થયેલી 8 સર્જરીઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા માસૂમો સામેલ છે-

  • દિલ્હીનો એક દોઢ વર્ષનો માસૂમ બાળક
  • મુંબઈ (મહારાષ્ટ્ર)નો 1 વર્ષનો બાળક
  • ઉત્તર પ્રદેશની 4 વર્ષની દીકરી
  • ગુજરાતમાંથી દોઢથી ત્રણ વર્ષની ઉંમરનાં 4 બાળકો
  • કચ્છનો 8 વર્ષનો બાળક

આ તમામ આઠ બાળકોમાંથી 5 બાળકો સફળ ઓપરેશન બાદ હસતા-રમતા પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે, જ્યારે બાકીના 3 બાળકોને પણ ટૂંક સમયમાં રજા આપવામાં આવશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો ખર્ચ 10 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે, પરંતુ રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આખી સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે.

અત્યંત પડકારજનક સર્જરી અને 40 દિવસની સઘન સંભાળ

આ પ્રકારની સર્જરી સામાન્ય ઓપરેશન કરતાં ઘણી જટિલ હોય છે, જેમાં બાળકના મૂત્રનું યોગ્ય ઉત્સર્જન થાય અને કિડની સુરક્ષિત રહે તે મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. આ સર્જરી અને ત્યારપછીની સંભાળની પ્રક્રિયા જટીલ હોય છે.

પેલ્વિક ઓસ્ટિઓટોમી (Pelvic Osteotomy): મૂત્રાશયને શરીરની અંદર યોગ્ય સ્થાને ગોઠવવા માટે બાળકના પેલ્વિક વિસ્તારના હાડકાંને વ્યવસ્થિત સ્થિતિમાં લાવવાની જટિલ સર્જરી કરવામાં આવે છે.

એક્સટર્નલ ફિક્સેટર અને કાળજી: હાડકાં યોગ્ય રીતે જોડાઈ જાય તે માટે દર્દીઓને 28 થી 30 દિવસ સુધી એક્સટર્નલ ફિક્સેટર પર રાખીને તેમના હલનચલન પર કડક નિયંત્રણ રાખવામાં આવે છે.

સર્જરીના 15મા દિવસે યુરીન પાઇપ હટાવી લેવામાં આવે છે અને 28મા દિવસે બહારનો સપોર્ટ દૂર કરીને બાળકોને સામાન્ય હલનચલન માટે તૈયાર કરાય છે. આમ, અંદાજે 40 દિવસની સઘન સારવાર બાદ બાળકો સામાન્ય જીવન જીવતા થાય છે.

સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમનું ઉત્કૃષ્ટ ટીમ-વર્ક

આટલી અતિ-જટિલ સર્જરીને સફળ બનાવવા પાછળ હોસ્પિટલના વિવિધ વિભાગોના નિષ્ણાત ડૉક્ટરો અને સ્ટાફની સંકલિત મહેનત રહેલી છે.

પીડિયાટ્રિક સર્જરી ટીમ: ડૉ. રાકેશ જોષી અને ડૉ. જયશ્રી રામજીની આગેવાનીમાં આ જટિલ રી-કન્સ્ટ્રક્શન પાર પાડવામાં આવ્યું.

ઓર્થોપેડિક્સ ટીમ: પ્રોફેસર ડૉ. પિયુષ મિત્તલ અને તેમની ટીમ દ્વારા નાજુક હાડકાંની (ઓસ્ટિઓટોમી) સર્જરી સફળતાપૂર્વક સંભાળવામાં આવી.

એનેસ્થેસિયા અને નર્સિંગ ટીમ: નાના બાળકોને કલાકો સુધી સુરક્ષિત રાખવા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોએ તથા ઓપરેશન પછીના 24 કલાક સતત દેખરેખ રાખીને નર્સિંગ સ્ટાફે માતૃત્વ જેવા સ્નેહ સાથે સેવા આપીને આ મિશનને સફળ બનાવ્યું છે.