અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકોના મોતનો આક્ષેપ, માતા-પિતા ગંભીર; પોલીસ સાથે એફએસએલની ટીમ તપાસમાં જોડાઇ

ખીરાની ગુણવત્તા ચકાસવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ ઘનશ્યામ ડેરી પર પહોંચી હતી અને ખીરાના સેમ્પલ લીધા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 06 Apr 2026 03:28 PM (IST)Updated: Mon, 06 Apr 2026 03:28 PM (IST)
ahmedabad-chandkheda-incident-two-girls-dead-after-consuming-dosa-batter

Ahmedabad Dosa Batter Incident: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ડેરીમાંથી લાવવામાં આવેલા તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે માસૂમ બાળકીઓના મોત નિપજ્યાં હોવાનો આક્ષેપ છે. જ્યારે તેમના માતા-પિતાની હાલત ગંભીર હોવાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ખીરાના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.

પ્રાથમિક માહિતી અનુસાર, પ્રજાપતિ પરિવારે બે દિવસ પહેલા ઘનશ્યામ ડેરી, આઈઓસી રોડ, ચાંદખેડા પરથી ઢોસા બનાવવા માટે તૈયાર ખીરું મંગાવ્યું હતું. પરિવારના સભ્ય ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું કે, મારો છોકરો સાંજે 8 વાગ્યે ઘનશ્યામ ડેરી પરથી ખીરું લઈ આવ્યો હતો. તે દિવસે સાંજે તેણે ઢોસા બનાવીને ખાધા, પરંતુ બીજા દિવસે સવારે તેને ઊલટીઓ થવા માંડી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેની પત્નીને આ ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે તેની જાણ ન હોવાથી તેણે અને નાની દીકરીને પણ ઢોસો ખવડાવ્યો. બીજા દિવસથી તેમને પણ ઊલટીઓ થવા લાગી, જેના પગલે બધાને હોસ્પિટલ ખસેડાયા હતા.

આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીનું મોત નીપજ્યું છે. જ્યારે ભાવના પ્રજાપતિ (માતા) અને વિમલ પ્રજાપતિ (પિતા) હાલ ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ચાંદખેડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ખીરાની ગુણવત્તા ચકાસવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ ઘનશ્યામ ડેરી પર પહોંચી હતી અને ખીરાના સેમ્પલ લીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે પણ આ ઘટના અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ, ઘનશ્યામ ડેરીના ડેરીના માલિક કેતન પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, અમારી ડેરીમાંથી દરરોજ 100 થી 125 કિલો ખીરું વેચાય છે. જે લોટમાંથી આ પરિવારને ખીરું આપવામાં આવ્યું હતું, તે જ લોટમાંથી અમારા સંબંધીઓ અને અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પરંતુ કોઈને પણ આવી કોઈ તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ, ડેરીમાં જ બનાવવામાં આવે છે.

અન્ય માલિક વિપુલ પટેલે વિગતો આપતા કહ્યું કે, ગ્રાહક 1 એપ્રિલે લગભગ ત્રણ કિલો ખીરું લઈ ગયા હતા અને 3 એપ્રિલે તેમના પત્ની ફરિયાદ કરવા આવ્યા હતા કે ખીરું ખાવાથી પેટમાં ફૂડ પોઈઝન જેવું થયું છે. મે તાત્કાલિક 1 એપ્રિલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને તે દિવસે ખીરું ખરીદનારા અન્ય ગ્રાહકોને ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈને પણ કોઈ તકલીફ થઈ નહોતી. એક પાડોશીએ પણ પોતાના બાળકને ઢોસો ખવડાવ્યો હતો, તેમને પણ કોઈ તકલીફ થઈ નથી. મારી ડેરીમાં સીસીટીવી અને વોઈસ કેમેરા લાગેલા છે, જેમાં ફરિયાદ સમયે થયેલી વાતચીત પણ રેકોર્ડ થઈ છે. જો મારા ખીરામાં ખામી હોત, તો એ જ ડ્રમમાંથી ખીરું લેનારા અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝન થવાની શક્યતા હતી, પરંતુ એવું થયું નથી.