Ahmedabad News: અમદાવાદના એસજી હાઈવે પર આવેલા થલતેજ અંડરપાસમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓવરસ્પીડમાં આવી રહેલી કાર રોડ પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 23 વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
કારની સ્પીડ 100ની આસપાસ હતી
પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કિયા સેલટોસ કારની સ્પીડ આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની ડ્રાઇવિંગ સીટ તરફના ભાગના ફૂરચેફૂરચાં ઊડી ગયાં હતાં અને સ્ટીયરિંગ પણ વળીને તૂટી ગયું હતું. મૃતક યુવક આર્યન બત્રાને બ્રેઇન હેમરેજ અને મલ્ટીપલ ફ્રેક્ચર થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. તેની સાથે કારમાં સવાર 21 વર્ષીય કીર્તિ અગ્રવાલ અને પ્રિયાંશી ચોક્સી ગંભીર ઈજાગ્રસ્ત થયાં હતાં.
સીટ બેલ્ટ ન પહેરવો પડ્યો ભારે
અકસ્માત સ્થળ પર 50 ફૂટ પહેલાં બ્રેક માર્યાના ટાયરના નિશાન મળ્યા છે, પરંતુ ઓવરસ્પીડને કારણે ચાલક કાબૂ મેળવી શક્યો નહોતો. કારમાં સવાર ઈજાગ્રસ્ત કીર્તિ અગ્રવાલે પોલીસને નિવેદન આપ્યું કે, તેણે સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તેની એરબેગ ખૂલી ગઈ અને તે બચી ગઈ. જ્યારે કાર ચલાવી રહેલા આર્યને સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી તેની એરબેગ ન ખૂલી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ અને તેનું મોત થયું.
તપાસમાં સામે આવ્યું કે રોડ પર ઊભેલી આઈસર ટ્રક ટેક્નિકલ ખામીના કારણે બંધ પડી હતી, જેના કારણે ડ્રાઇવરે પાછળ ઝાડની ડાળીઓ, લાલ કપડું અને પથ્થરો મૂકી આડશ ઊભી કરી હતી. જોકે, અકસ્માત સ્થળ પર સ્ટ્રીટલાઈટો અને સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી પોલીસે આસપાસની ખાનગી જગ્યાઓના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. મૃતક આર્યન બત્રા આંબલી રોડ પાસે રહેતો હતો અને પ્રાઇવેટ નોકરી સાથે અભ્યાસ કરતો હતો.
