Ahmedabad Fake Call Center: અમદાવાદ શહેરમાંથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ આચરતા કોલ સેન્ટરનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અમેરિકન નાગરિકોના બેન્ક ખાતાની ડિટેઇલ્સ મેળવી લઈને લોન સેટલમેન્ટના નામે છેતરપિંડી આચરતાં હતા. જે મામલે નરોડા પોલીસે બે યુવતીઓ સાથે સાતેક જેટલા આરોપીઓને પકડી લીધા છે અને હાલ પોલીસ ગેરકાદેસર રીતે ધમધમી રહેલા કોલ સેન્ટર વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.
ગેરકાયદેસર કોલ સેન્ટર પર નરોડા પોલીસનો દરોડો
મળતી માહિતી મુજબ, નરોડા હંસપુરા વિસ્તારમાં મુખ્ય આરોપી જીગ્નેશ ઝાલાહર ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. તેની સાથે બાકીના આરોપીઓ અમેરિકાના નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવતા હતા. ત્યારબાદ બેંક વકીલ તરીકેની ખોટી ઓળખાણ આપીને લોન સેટલ કરવાના નામે મેઇલ કરતાં હતા. જ્યારે કોઈ અમેરિકન નાગરિક તેમની જાળમાં ફસાઈ જાય. તો તેઓ લોન સેટલમેન્ટની લાલચ આપીને ક્રેડિટ કાર્ડની ઈન્ફોર્મેશન મેળવી લેતા હતા.
અમેરિકન નાગરિકો સાથે થતી છેતરપિંડી
આરોપીઓ ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સનો ઉપયોગ કરીને અમેરિકન સિટીઝન્સના બેન્ક એકાઉન્ટમાંથી રકમ ઉડાવી લઈને ડોલરને બિટકોઈન સ્વરુપે મેળવી લેતા હતા. ત્યારબાદ બિટકોઈનને ઈન્ડિયન કરન્સીમાં ફેરવી લેતા. આ પૈસા તેઓ આંગડિયા પેઢીથી પૈસા હાંસિલ કરી લેતા હતા. આ મામલે નરોડા પોલીસે સાત આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસે દરોડો પાડ્યો દુકાનમાં સાત લોકો લેપટોપ પર બેસીને કામ કરતાં હતા.
2 યુવતીઓ સાથે 7 આરોપીઓની અટકાયત
આ મામલે પોલીસે દરોડા દરમિયાન 8 મોબાઈલ, 7 લેપટોપ સહિત કુલ 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નરોડા પોલીસે દરોડા દરમિયાન જીગ્નેશ ઝાલાહાર, ઇમ્તીહેન ચાર્મ્યાડ, દેવ વૈષ્ણવ, પ્રીતિ પટેલ, વૈશાલી વેધાની, દેવાંગ સપકાલ અને સુશીલ તોમરની અટકાયત કરી છે. તેમજ આ ગેરકાયદેસર રીતે ધમધમતાં કોલ સેન્ટરમાં અન્ય કોઈ બીજા આરોપીઓ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે વધુની તપાસ શરુ કરી છે.
