Ahmedabad Bomb Threat: સાબરમતી જેલ સહિત અમદાવાદના અનેક સ્થળોને ધમકીભર્યો ઈમેઇલ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અમદાવાદ સહિત રાજ્યની તમામ જેલો, ગાંધીનગર સ્થિત એક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 11:28 AM (IST)Updated: Tue, 03 Nov 2026 11:28 AM (IST)
ahmedabad-bomb-threat-email-targets-dgp-office-collectorate-temples-and-sabarmati-jail

Bomb Threat Email in Ahmedabad: ગુજરાત સહિત અમદાવાદમાં જાહેર સ્થળો અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત્ત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યની તમામ જેલો, ગાંધીનગર સ્થિત એક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. અજાણ્યા ઈસમે ડીજીપી ઓફિસના સત્તાવાર ઈમેલ પર આ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. જેના લીધે ગુજરાત પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

ખાલિસ્તાનના નામે ઈમેઈલ અને 2008ના વિસ્ફોટોનો ઉલ્લેખ

મળતા અહેવાલ પ્રમાણે,આ ધમકીભર્યો ઈમેલ ખાલિસ્તાનના નામે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમેલમાં 2008ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈમેઈલ મળતાની સાથે જ ગાંધીનગરથી લઈને ગુજરાતભરની તમામ મહત્વપૂર્ણ જેલો અને સરકારી કચેરીઓમાં હાઈ એલર્ટ જારી કરી દેવાયું છે. તેમજ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જેલોમાં બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકિંગ

ધમકીભર્યો મેઈલ મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડની ટીમો તાત્કાલિક અસરથી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની તમામ નાની-મોટી જેલો પર પહોંચી ગઈ છે. જેલ પરિસરમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે કલેક્ટર કચેરીઓ અને સિક્યોરિટી પ્રોટોકોલ હેઠળ આવતા વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.

સાત દિવસ પહેલા મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવી ધમકી મળવાનો આ પહેલો કિસ્સો નથી. માત્ર 7 દિવસ પહેલા જ અમદાવાદની 8 જેટલી નામાંકિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મોકલવામાં આવી હતી. જેમાં સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ તથા વિદ્યા ભારતી સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલયનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટને લક્ષ્ય બનાવીને પણ ધમકી આપવામાં આવી હતી. હાલ ધમકીનો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કાર્યવાહી વધારી દેવાઈ છે.