Ahmedabad Car Accident News: અમદાવાદ શહેરમાં 22 ઓક્ટોબરના રોજ એસજી હાઈવે કર્ણાવતી ક્રોસ રોડ પર એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં BMW કાર ચાલકે રિક્ષા, એક્ટિવા અને એક કારને ટક્કર મારતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ત્રણ લોકોને ઈજાઓ થતાં લોકો રોષે ભરાયા હતા. ટોળાએ કારચાલકને પકડીને બરાબરનો માર માર્યો હતો. ત્યારબાદ યુવક સામે ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો.
કર્ણાવતી ક્રોસ રોડ પર અકસ્માત
મળતી માહિતી મુજબ, એસ.જી હાઈવે પર કર્ણાવતી ચાર રસ્તા પર એક BMW કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કારે એક એક્ટિવા ચાલક બંને ભાઈઓને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. એક્ટિવાને ટક્કર લાગતાં તેના પર સવાર બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, આટલેથી ન અટકતાં કારચાલકે વધુ એક ઓટો રિક્ષા અને એક અન્ય કારને પણ અડફેટે લીધી હતી.
ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા
બીએમડબલ્યુ કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષામાં બેસેલા એક પેસેન્જરને પગે ઈજાઓ પહોંચી હતી. ત્યાં સુધીમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. કારચાલક ઘટનાસ્થળેથી નાસે તે પહેલા જ ટોળાએ કારચાલકને પકડીને બરાબરનો માર માર્યો હતો. જ્યારે બીજી બાજુ ઈજાગ્રસ્ત બે ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કારચાલક સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યોને કાર્યવાહી શરુ કરી છે.
કાર ચાલક સામે ગુનો દાખલ
પોલીસ તપાસમાં આરોપીનું નામ વિષ્ણુસિંહ ઝાલા તરીકે સામે આવ્યું છે. પોલીસ તપાસ પ્રમાણે, આરોપી કાર ચાલક સાથે તેનો એક મિત્ર પણ હતો. બંને કાર લઈને કોઈ કામ માટે નીકળ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. પોલીસે હાલ સમગ્ર મામલે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે.
