Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ભયાનક ઘટના સામે આવી છે. ધોળકાથી પોતાની ભાણીના લગ્નની તૈયારીઓ માટે માતાના ઘરે આવેલી એક 34 વર્ષીય યુવતીને બે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. આ શખ્સોએ યુવતીના ઘર બહાર પાર્ક કરેલા બર્ગમેન સ્કૂટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
મોટરસાયકલ પર સવાર શખ્સોએ પીછો કર્યો
પોલીસ ફરિયાદ મુજબ, પીડિત યુવતી 6 નવેમ્બરની રાત્રે આશરે 10.30 વાગ્યે તેમની બહેનપણી સાથે મકરબા વિસ્તારમાંથી દાવત આપીને પરત ફરી રહ્યા હતા. હુસેની બેકરી પાસે પહોંચતા જ બુલેટ જેવી મોટરસાયકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને સરખેજ સ્થિત તેમના માતાના ઘર સુધી સતત પાછળ આવ્યા હતા.
યુવતીએ તેમનું સ્કૂટર બહાર પાર્ક કરીને ઘરમાં પ્રવેશ કર્યો, જેના થોડા જ સમયમાં પાડોશી મોહમ્મદ યાસીનએ તેમને બે શખ્સો દ્વારા સ્કૂટર પર પેટ્રોલ રેડવામાં આવતું હોવાની જાણ કરી. યુવતીએ બહાર આવીને જોયું તો આ એ જ બે શખ્સો હતા, જેમણે રસ્તામાં તેમનો પીછો કર્યો હતો.
યુવતીએ પેટ્રોલ છાંટવાનું કારણ પૂછતાં જ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા. તેમણે યુવતીને અશ્લીલ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપીઓએ પોતાના નામ જહાંગીર અને જાહીદ હોવાનું જણાવ્યું હતું. જહાંગીરે યુવતીને ધમકાવતા કહ્યું કે, "હું વાહિદને બોલાવીને તારી ખબર લઉં છું." જોકે, આજુબાજુના લોકો ભેગા થતા જ બંને શખ્સો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. યુવતીની મોટી બહેને તાત્કાલિક પોલીસને જાણ કરતા સરખેજ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજ દ્વારા તેમની શોધખોળ શરૂ કરી છે.
