Ahmedabad: દારૂની પેટીઓ ભરેલા ગોડાઉનમાં રીલ બનાવનાર અશરફ ઉર્ફે બાપુ ઝડપાયો, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 19 Jul 2024 08:28 PM (IST)Updated: Fri, 19 Jul 2024 08:32 PM (IST)
ahmedabad-ashraf-alias-bapu-who-made-a-reel-in-a-godown-full-of-liquor-boxes-was-caught-ahmedabad-city-crime-branch-took-action

Ahmedabad Crime Branch: રીલ બનાવી પોલીસને પડકાર ફેંકનાર અશરફ ઉર્ફે બાપુ અઝીઝખાન પઠાણને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ઝડપી પાડ્યો છે. અશરફે ધંધા દો નંબર કા કરને કા, ચાહે ગાડી પકડી ગઈ તો થાને મેં કેસ બનેગા અને નીકલ ગઈ તો જેબમાં પૈસા હોગા… જેવા ફિલ્મી ડાયલોગ સાથે રીલ બનાવી હતી. આ પ્રકારની રીલ અશરફે હાથમાં સિગારેટ તેમજ આજુબાજુ દારુ-બિયરની પેટીઓના દ્રશ્યો બતાવીને બનાવી હતી. જો કે આ રીલ અજમેરમાં બનાવી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. પોલીસને પડકાર ફેંકતી આ રીલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી રીલના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી.

જો કે રીલ બનાવનાર અશરફ એક ગુનામાં તડીપાર હતો ત્યારે તે ગોમતીપુર વિસ્તારમાં ઝડપાયો હતો. નવા કાયદા મુજબ તડીપાર હોવા છતાં તે શહેરમાં હતો ત્યારે આ અંગે બીજો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત વાયરલ વીડિયોનો સંદેશ ખોટો જતો હોવાના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વીડિયો બનાવનાર અશરફ ઉર્ફે બાપુ વિરુધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 292 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અશરફે આ વીડિયો અજમેરમાં પાંચ-છ દિવસ પહેલા બનાવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોય આવા ઉશ્કેરણી જનક વીડિયો બનાવવા કે વીડિયો વાયરલ કરનારની વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે, જે અંતર્ગત અશરફ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.