Ahmedabad News: અમદાવાદના શહેરીજનો દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે AMTS દ્વારા દિવાળીના તહેવારોમાં સૌપ્રથમવાર વિનામૂલ્યે પ્રવાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જેને શહેરીજનોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. ધનતેરસથી દિવાળી સુધીના ત્રણ દિવસ દરમિયાન અંદાજે 9 લાખ જેટલા નાગરિકોએ સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લીધો હતો.
હર ઘર સ્વદેશી - ઘર ઘર સ્વદેશીની નેમ સાથે AMTS દ્વારા તારીખ ઍ8 ઓક્ટોબર (ધનતેરસ), તારીખ 19 ઓક્ટોબર (કાળી ચૌદશ), અને તારીખ 20 ઓક્ટોબર (દિવાળી) એમ ત્રણ દિવસ માટે તમામ પ્રવાસીઓ માટે વિનામૂલ્યે પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને તહેવારોમાં ખરીદી કરવામાં સરળતા રહે અને સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ મળે તે હતો.
પ્રાપ્ત આંકડાઓ મુજબ, ધનતેરસ અને કાળી ચૌદશના પ્રથમ બે દિવસમાં જ 6 લાખ જેટલા નાગરિકોએ આ મફત મુસાફરીનો લાભ મેળવ્યો હતો. જ્યારે દિવાળીના દિવસે (તારીખ 20 ઓક્ટોબર) પણ અંદાજે 3 લાખ જેટલા મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરી કરી હતી. આમ, કુલ ત્રણ દિવસ દરમિયાન 9 લાખ નાગરિકો આ સુવિધાનો લાભ મેળવ્યો.
સરેરાશ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં એવરેજ ૫.૫ લાખ જેટલા મુસાફરો AMTSનો પ્રતિદિન પરિવહન માટે ઉપયોગ કરતા હોય છે. તેની સરખામણીમાં આ ત્રણ દિવસ દરમિયાન મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે AMTS દ્વારા માત્ર રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે મફત મુસાફરીનું આયોજન કરવામાં આવે છે અથવા ડિસ્કાઉન્ટેડ મુસાફરીની યોજના હોય છે. પરંતુ આ વખતે દિવાળીના તહેવારોમાં તમામ પ્રવાસીઓ માટે મફત મુસાફરીનો નિર્ણય સૌપ્રથમવાર લેવામાં આવ્યો હતો, જે ખૂબ જ સફળ રહ્યો.
