AMTSનું 1,011 કરોડનું હાઈટેક બજેટ: હવે AI નક્કી કરશે બસના રૂટ અને ફ્રિકવન્સી, શહેરમાં દોડશે નવી 4 ડબલડેકર બસો

AMTS કમિટીના ચેરમેન ધરમીશ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTS સેવાઓ લંબાવવામાં આવી છે અને આગામી સમયમાં જરૂરિયાત મુજબ ફેરા વધારવામાં આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Feb 2026 09:03 AM (IST)Updated: Wed, 04 Feb 2026 09:03 AM (IST)
ahmedabad-amts-budget-2026-27-amts-hi-tech-budget-rs-1011-crore-ai-driven-bus-routes-4-double-decker-buses

Ahmedabad AMTS Budget 2026-27: અમદાવાદ શહેરની જીવાદોરી સમાન AMTS સેવાનું વર્ષ 2026-27નું સુધારેલું બજેટ કુલ ₹1,011 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ રજૂ કરવામાં આવેલા ₹991 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ₹20 કરોડનો વધારો કરીને આ નવું બજેટ ફાઈનલ કરવામાં આવ્યું છે.

AI સોફ્ટવેરથી બસ સેવામાં સુધારો

અમદાવાદ શહેરમાં દોડતી બસોના રૂટ અને તેની ફ્રિકવન્સી (સમય અંતરાલ) હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા નક્કી કરવામાં આવશે.

  • ડાયનેમિક શિડ્યુલિંગ: ₹3 કરોડના ખર્ચે 'ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટિમાઈઝેશન' સિસ્ટમ લગાવવામાં આવશે.
  • લાભ: આ AI સોફ્ટવેરના એનાલિસિસથી જે રૂટ પર મુસાફરોની અવરજવર વધુ હશે ત્યાં બસોની સંખ્યા વધારવામાં આવશે, જેથી મુસાફરોને સમયસર બસ મળી રહેશે.

બસના કાફલામાં વધારો અને નવી ડબલડેકર

  • AMTS દ્વારા આગામી વર્ષમાં બસોની સંખ્યા વધારીને 1,600 કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  • હાલ શહેરમાં 897 બસો દોડી રહી છે, જેમાં બમણો વધારો કરવામાં આવશે.
  • 15મા નાણાં પંચની ₹9 કરોડની ગ્રાન્ટમાંથી 4 નવી ઇલેક્ટ્રિક AC ડબલડેકર બસો ખરીદવામાં આવશે.
  • આ ઉપરાંત, દરેક ઝોનમાં પાંચ 'ટ્રી બસ શેલ્ટર' બનાવવા માટે ₹2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મુસાફરો માટે શુદ્ધ હવા: એર પ્યુરીફાયર પ્રોજેક્ટ

અમદાવાદ શહેરી પ્રદૂષણ સામે રક્ષણ આપવા માટે 'પ્રોજેક્ટ ક્લીન એર બસ ફ્લીટ' અંતર્ગત ₹3 કરોડના ખર્ચે 70 AC બસોમાં ઇન-કેબિન એર પ્યુરીફિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. આનાથી મુસાફરોને બસની અંદર શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત હવા મળી રહેશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફ વિકાસ

  • જમાલપુર ડેપો: જમાલપુર બસ ડેપોમાં 50 વર્ષ જૂનું બિલ્ડિંગ તોડીને ₹3 કરોડના ખર્ચે નવું આધુનિક 'સ્ટોર બિલ્ડિંગ' બનાવવામાં આવશે.
  • સ્ટાફ બિહેવિયર: કર્મચારીઓના વર્તનમાં સુધારો લાવવા અને મુસાફરો સાથેના વ્યવહારને વધુ વિનમ્ર બનાવવા માટે ₹20 લાખની ફાળવણી કરવામાં આવી છે.

AMTS કમિટીના ચેરમેન ધરમીશ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTS સેવાઓ લંબાવવામાં આવી છે અને આગામી સમયમાં જરૂરિયાત મુજબ ફેરા વધારવામાં આવશે.