AMTS Record Income: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના નાગરિકો માટે પૂરી પાડવામાં આવતી બસ સેવાએ એક નવો ઐતિહાસિક તબક્કો હાસિલ કર્યો છે. સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ સામાન્ય કાર્યકારી દિવસે (Working Day) AMTSમાં અત્યાર સુધીની સૌથી વધુ મુસાફરોની સંખ્યા અને દૈનિક આવકનો નવો રેકોર્ડ નોંધાયો છે.
એક જ દિવસમાં કમાણી અને મુસાફરોના તમામ આંકડા
10 ઓગસ્ટના રોજ શહેરમાં AMTSનું સંચાલન પૂર્ણ ક્ષમતા સાથે કરવામાં આવ્યું હતું.
રોડ પર દોડેલી બસો: કુલ 970 AMTS બસો સંચાલનમાં હતી.
કુલ મુસાફરો: 6,31,761 નાગરિકોએ બસ સેવાનો લાભ લીધો (કાર્યકારી દિવસ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો).
દૈનિક આવક: એક જ દિવસમાં રૂ. 39,77,935/- ની વિક્રમી આવક પ્રાપ્ત થઈ.
નાગરિકોનો જાહેર પરિવહન પર વધતો ભરોસો
AMTSની બસ સેવાઓમાં નિયમિતતા, સુચારુ સંચાલન અને સુવિધાઓ વધારવાના પ્રયાસોને કારણે નાગરિકોમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓમાં AMTS પરનો વિશ્વાસ આ નવા રેકોર્ડથી સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે.
અમદાવાદીઓ માટે ખુશખબર: 1,150 નવી ઇલેક્ટ્રિક AC બસો આવશે
શહેરમાં જાહેર પરિવહનનો વ્યાપ વધારવા અને મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે AMTSએ મોટું આયોજન કર્યું છે. જે અંતર્ગત કુલ 1,150 નવી ઇલેક્ટ્રિક એ.સી. બસો માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.આ બસો ચાલુ થવાથી અમદાવાદ શહેર ઉપરાંત આસપાસના ઔડા (AUDA) વિસ્તારોના પ્રવાસીઓને પણ સીધો લાભ મળશે. આગામી સમયમાં આ ઈલેક્ટ્રિક AC બસોના સમાવેશથી અમદાવાદનું જાહેર પરિવહન વધુ આધુનિક, પ્રદૂષણમુક્ત અને સુવિધાસભર બની રહેશે.
