અમદાવાદના નવા વિકસતા વિસ્તારોને મળશે વેગ: બોપલ, નિકોલ, શીલજ સહિતના વિસ્તારોમાં દોડશે 1,000 નવી ઈ-બસો

અમદાવાદના મુસાફરો માટે મોટા સમાચાર! ફેબ્રુઆરી સુધીમાં AMTSના કાફલામાં 1,000 નવી ઈ-બસો ઉમેરાશે. બોપલ, નિકોલ, શીલજ સહિતના 130થી વધુ રૂટ પર બસોની ફ્રિકવન્સી વધશે અને 1 લાખ મુસાફરોને સીધો લાભ મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 17 Nov 2026 07:39 AM (IST)Updated: Tue, 17 Nov 2026 07:39 AM (IST)
ahmedabad-amts-1000-new-electric-buses-february-routes-bopal-nikol-shilaj

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના નવા વિકસતા વિસ્તારોમાં જાહેર પરિવહનની સુવિધાને વધારે વેગવાન બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટો નિર્ણય લેવાયો છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં એએમટીએસના કાફલામાં 1 હજાર નવી ઇ બસોને ઉમેરવામાં આવશે. જેથી શહેરના 130થી વધુ રુટ પર બસોની ફ્રિકવન્સી વધશે અને દૈનિક અંદાજે 1 લાખ મુસાફરોને સીધો લાભ પ્રાપ્ત થશે

નવા વિસ્તારો પર રહેશે ખાસ ફોક્સ

હાલમાં શહેરમાં અંદાજે 800થીવધુ બસો 130થી વધુ રુટ પર દોડી રહી છે. નવી 1 હજાર ઈ બસો ખાસ કરીને શહેરના છેવાડાના અને ઝડપથી વિકસી રહેલા વિસ્તારો જેવા કે, નિકોલ, ભાડજ, શીલજ, બોપલ, ઘુમા, હંસપરા અને નવા નરોડા જેવા વિસ્તારોમાં દોડાવવામાં આવશે. આ નિર્ણયથી આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને લાંબો સમય સુધી રાહ નહીં જોવી પડે. આ ઉપરાંત નવી ઈ બસોના સંચાલન અને દેખરેખ માટે જમાલપુર ખાતે એક અત્યાધુનિક કંટ્રોલ રુમ પણ ઉભું કરવામાં આવશે.

કામગીરીમાં વિલંબ ટાળવા તંત્રનો મહત્વનો નિર્ણય

આ 1,000 નવી બસોના સંચાલન માટે જરૂરી સ્ટાફની ભરતી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ બે વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ બંને વખત માત્ર એક જ કંપનીએ રસ દાખવતા ટેન્ડર રદ કરી ફરીથી પ્રક્રિયા કરવી પડી હતી. જોકે, હવે આ પ્રોજેક્ટમાં વધુ વિલંબ ન થાય તે માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. AMTSના મેનેજર આર.એલ. પાંડેએ સ્પષ્ટ કર્યું છે કે, જો ત્રીજી વખતના ટેન્ડરમાં પણ સિંગલ કંપની (એક જ કંપની) આવશે, તો પણ કામગીરી અટકાવ્યા વિના તેને કામ સોંપી દેવામાં આવશે.

હાલની બસ સેવાની સ્થિતિ

હાલમાં દર 10 થી 20 મિનિટે બસ ઉપલબ્ધ થાય છે અને લાંબા અંતરના અને ગ્રામ્ય રૂટ પર દર 25 થી 45 મિનિટે બસ મળે છે, જ્યારે ઓછા ટ્રાફિકવાળા અમુક રૂટ પર દર 1 કલાકે બસની સુવિધા મળે છે. નવી બસોના આગમન બાદ ખાસ કરીને લાંબા અંતરના અને નવા વિસ્તારોના રૂટ પર મુસાફરોની પ્રતીક્ષાનો સમય ઘટશે અને શહેરની પરિવહન વ્યવસ્થા વધુ પ્રદૂષણમુક્ત અને ઝડપી બનશે.