Makarba ROB Traffic: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે તાજેતરમાં ખુલ્લા મૂકવામાં આવેલા LC-24 મકરબા રેલવે ઓવરબ્રિજ (ROB) બાદ હવે વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બ્રિજ શરૂ થયા પછી આસપાસના માર્ગો પર સર્જાયેલી ટ્રાફિક કન્જેશનની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે નક્કર પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
કેપ્સ્યુલ ડિઝાઇનથી ટ્રાફિક ચેનલાઇઝેશનની કામગીરી
બ્રિજ ચાલુ થયા બાદ ટ્રાફિકનો અચાનક ભારે પ્રવાહ વધવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે 'કેપ્સ્યુલ ડિઝાઇન' તૈયાર કરાવી છે. આ ડિઝાઇનના માધ્યમથી ટ્રાફિકના પ્રવાહને યોગ્ય રીતે ચેનલાઇઝ અને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે હાલ કન્જેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
કોર્પોરેટ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધી રોડ વાઈડનિંગ
ટ્રાફિકની આ સમસ્યાનું કાયમી અને સચોટ નિરાકરણ લાવવા માટે AMC દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેટ ચાર રસ્તાથી લઈને એસ.જી. હાઈવે સુધીના હયાત રોડને સંપૂર્ણ પહોળાઈમાં વાઈડનિંગ (પહોળો) કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ રોડ પહોળો થવાથી આગામી સમયમાં વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.
કન્સલ્ટન્ટ એન્જિનિયર્સ દ્વારા ટેકનિકલ અભ્યાસ
આ સમગ્ર મામલે માત્ર ત્વરિત પગલાં જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે AMC દ્વારા સદર પ્રોજેક્ટના ડિઝાઇન કન્સલ્ટન્ટ DELF Consulting Engineers (India) Pvt. Ltd. ને ખાસ સૂચના આપવામાં આવી છે. કન્સલ્ટન્ટને હાલની ટ્રાફિક પરિસ્થિતિનો ઊંડાણપૂર્વક ટેકનિકલ અભ્યાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
મૂળ કારણોનું વિશ્લેષણ અને ભવિષ્યની લાંબાગાળાની યોજના
ડિઝાઇન કન્સલ્ટન્ટને ટ્રાફિક કન્જેશનના મૂળ કારણોનું વિશ્લેષણ કરવા, ટ્રાફિક ફ્લોની પેટર્ન ચકાસવા અને તાત્કાલિક સુધારાત્મક પગલાં સૂચવવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ, ભવિષ્યમાં આ વિસ્તારમાં ક્યારેય ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે લાંબાગાળાનું કાયમી નિરાકરણ (Long-term Solution) લાવવા અંગે પણ વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવા જણાવાયું છે.
આ ટેકનિકલ અભ્યાસ અને કન્સલ્ટન્ટ પાસેથી મળનારા સ્પષ્ટીકરણના આધારે તકનીકી મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ જનહિત અને વાહનચાલકોની સુખાકારીને પ્રાથમિકતા આપીને ટ્રાફિક કન્જેશન દૂર કરવા માટે આગામી સમયમાં વધુ સઘન અને યોગ્ય પગલાં લેવામાં આવશે.
