Ahmedabad News: દિવાળીના તહેવારો નજીક આવતા અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગે પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં બિલ્ડરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નિયમ પ્રમાણે ગ્રીન નેટ લગાવ્યા વિના કામગીરી કરતી અને પ્રદૂષણ ફેલાવતી 11 કન્સ્ટ્રક્શન સાઈટોને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
મનપાના એસ્ટેટ વિભાગની કડક તપાસ
અમદાવાદ મનપાના વર્ષ 2023ના પરિપત્ર પ્રમાણે, ધૂળ અને હવાનું પ્રદૂષણ રોકવા માટે બિલ્ડીંગની ઊંચાઈ મુજબ ગ્રીન નેટ લગાવવી ફરજિયાત છે. શિયાળાની શરુઆત સાથે જ શહેરમાં વાયુ પ્રદૂષણ વધવાની આશંકાને પગલે એસ્ટેટ શાખાની ટીમોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
એક સાઈટને 25 હજારનો દંડ
તપાસ દરમિયાન ચાંદલોડિયા, ગોતા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં નિયમોનો ભંગ થતો હોવાનું તાત્કાલિક અસરથી સાઈટો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગોતા વિસ્તારમાં ફૂટપાથને નુકસાન પહોંચાડવા અને રોડ પર બિલ્ડીંગ મટીરિયલ ખડકી દેવા બદલ અતિથિ ગોકુળ સાઈટને રુ.25 હજારનો દંડ ફટકાર્યો છે.
આ અંગે અમદાવાદ મનપાના ડીવાયએમસી નિલેશ પટેલના જણાવ્યા પ્રમાણે આ સાઇટો નિયમોનું પાલન કરી ગ્રીન નેટ બાંધી તેની ખાતરી આપે ત્યાર બાદ જ સીલ ખોલવામાં આવશે.
આ 11 કન્સ્ટ્રક્શન સાઇટો કરાઇ સીલ
- એકલવ્ય સ્કૂલ - ચાંદલોડિયા
- ક્લીરામ હોસ્ટેલ - ચાંદલોડિયા
- નિત્યમ ગ્લોરી - ગોતા
- ધ સિગ્નેચર - ગોતા
- સૌંદર્ય એલિના - ગોતા
- કાલા મોન્ટાના - થલતેજ (બોપલ)
- દેવ એક્ષ - બોડકદેવ (યુનિવર્સિટી)
- આદિત્ય-2 - થલતેજ (બોપલ)
- અક્ષર ઈવારા - ગોતા
- સોલો સ્પર્શ - થલતેજ (બોપલ)
- સન સેતુ સ્કાચ - થલતેજ
