અમદાવાદમાં જાહેર પરિવહનને મળશે વેગ: 2,200 ઈ-બસોનો ઓર્ડર, મકરબામાં બનશે અત્યાધુનિક ટર્મિનસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં પ્રદૂષણમુક્ત જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, મકરબામાં ઈ-બસ ટર્મિનસ માટે 20,370 ચોરસ મીટર જમીન ફાળવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 08:31 AM (IST)Updated: Wed, 28 Oct 2026 08:31 AM (IST)
ahmedabad-amc-makarba-ev-bus-terminus-2200-electric-buses-double-decker
AI IMAGE

Ahmedabad News: અમદાવાદ શહેરમાં પ્રદૂષણમુક્ત જાહેર પરિવહનને વેગ આપવા માટે અમદાવાદ મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. એએમટીએસ અને બીઆરટીએસ બસના કાફલામાં આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં મોટા પ્રમાણમાં નવી ઈ બસો ઉમેરવામાં આવનાર છે. આ નવી ઈ-બસોના પાર્કિંગ, ચાર્જિંગ સ્ટેશન અને ટર્મિનસ બનાવવા માટે મકરબા વિસ્તારમાં મનપા હસ્તકના પ્લોટમાંથી 20,370 ચોરસ મીટર જગ્યા ફાળવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે મૂકવામાં આવી છે.

મકરબામાં 20 હજાર ચો.મી. જમીન ફાળવાશે

શહેરમાં ઈ બસોના સંચાલન અને રાત્રિ રોકાણ કે ચાર્જિંગ સુવિધા માટે ટીપી સ્કીમ નંબર 84-એ (મકરબા)ના ફાઈનલ પ્લોટ નંબર 92-1 પૈકીની 20,370 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે. અગાઉ આ પ્લોટ સેલ ફોર રેસિડન્સ હેતુ માટે નિયત થયેલો હતો. પરંતુ હવે જાહેર પરિવહનની જરુરિયાતને ધ્યાને રાખીને આ જગ્યા ઈ બસ ટર્મિનસ માટે ઉપયોગમાં લેવાશે

2200 ઇ બસોના ઓર્ડર

અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે કુલ 2,200 જેટલી ઈ બસોનો ઓર્ડર મનપા દ્વારા આપવામાં આવેલો છે. જેમાંથી આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં એએમટીએસ માટે 225 ઇ બસો આવી પહોંચશે. આ નવી બસોમાં ડબલડેકર ઇ-બસોનો સમાવેશ થાય છે. જેનાથી એએમટીએસના કાફલામાં ડબલડેકર બસોની સંખ્યા 15 પહોંચશે.

BRTS અને PM ડ્રાઈવ હેઠળ મળશે નવી બસો

ડિસેમ્બર સુધીમાં માત્ર AMTS જ નહીં પરંતુ BRTS માટે પણ 325 નવી ઈલેક્ટ્રિક બસો અને ‘પી.એમ. ડ્રાઈવ’ અંતર્ગત વધુ 150 ઈલેક્ટ્રિક બસો ઉપલબ્ધ થશે. આ તમામ બસોનું યોગ્ય સંચાલન થાય તે માટે મકરબા ખાતે અત્યાધુનિક ચાર્જિંગ પોઈન્ટ્સ અને પાર્કિંગ ટર્મિનસ તૈયાર કરવામાં આવશે.