અમદાવાદમાં દિવાળી પહેલા AMCની મોટી કાર્યવાહી, ફૂડ વિભાગે 60 લાખથી વધુનો શંકાસ્પદ માવાનો જથ્થો સિઝ કર્યો  

દિવાળીના તહેવાર ટાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાંથી અંદાજે 40,500 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડી વેચાણ અટકાવ્યું છે. જાણો વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 28 Oct 2026 07:10 PM (IST)Updated: Wed, 28 Oct 2026 07:10 PM (IST)
ahmedabad-amc-food-dept-seizes-60-lakh-mawa-before-diwali

AMC Raid: દિવાળીના પવિત્ર તહેવારો નજીક આવતા જ બજારમાં માવા અને વિવિધ મીઠાઈઓની માંગમાં ખૂબ મોટો વધારો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન નાગરિકોના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે અને તેઓને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જાહેર આરોગ્યના હિતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું સંગ્રહ, ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર ત્રાટકીને ચકાસણી કરવામાં આવી રહી છે.

ગોમતીપુર કોલ્ડ સ્ટોરેજ પર દરોડો અને 1.02 લાખ કિલો માવાનો સંગ્રહ

આ ખાસ અભિયાનના ભાગરૂપે હેલ્થ ફૂડ વિભાગની ટીમે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા એક વિશાળ કોલ્ડ સ્ટોરેજ ખાતે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ સ્થળે કુલ 60 જેટલા અલગ-અલગ વેપારીઓ દ્વારા અંદાજે 1,02,000 કિલોગ્રાામ (102 ટન) જેટલો માવાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ કુલ જથ્થામાંથી 80% જેટલો હિસ્સો માત્ર 15 મુખ્ય વિક્રેતાઓનો જ હતો.

મુખ્ય વેપારીઓ અને માવાના નમૂનાઓની લેબોરેટરીમાં તપાસ

કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત માવાની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હસમુખભાઈ માવાવાળા, તુલસી માવા સેન્ટર, રજવાડી સ્વીટ (બજરંગી), ઇન્ડિયન ડેઝર્ટ (નિલકંઠ), પુરોહિત માવાવાળા અને એસ.કે. માવાવાળા જેવી જાણીતી પેઢીઓના માવાના કુલ 6 નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વધુ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિક્રેતાઓના નમૂના તેમની હાજરીમાં લેવાની કામગીરી આગળ ધપાવવામાં આવશે.

રૂ. 60.75 લાખની કિંમતનો 40,500 કિલો શંકાસ્પદ માવો સ્થગિત

તપાસ દરમિયાન સૌથી મોટો અને ચોંકાવનારો જથ્થો ‘રાધીકા ફૂડ પ્રોડક્ટ્સ’નો મળી આવ્યો હતો. તેઓ દ્વારા ‘રજવાડી સ્વીટ (બજરંગી)’ અને ‘ઇન્ડિયન ડેઝર્ટ (નિલકંઠ)’ના નામે 30 કિલોના 1380 કટ્ટા મળીને કુલ 40,500 કિલોગ્રામ માવાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ તમામ જથ્થા પર કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે એક્સપાયરી ડેટ (Expiry Date) દર્શાવવામાં આવ્યા ન હોવાથી, ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષાના કાયદા હેઠળ આ આખો જથ્થો વેચાણ માટે અટકાવીને સ્થગિત (સીઝ) કરી દેવાયો છે. આ સ્થગિત કરાયેલા માવાની અંદાજિત બજાર કિંમત રૂ. 60,75,000/- થાય છે.

અસલી માવાને બદલે ‘તૈયાર મીઠાઈ’ વાપરવાના ગોરખધંધા પર લાલ આંખસામાન્ય રીતે માવો એ દૂધમાંથી પાણીનો ભાગ દૂર કરીને બનાવાય છે, જ્યારે તૈયાર બરફી કે મીઠાઈમાં ખાંડ અને અન્ય વસ્તુઓ ભળેલી હોય છે. ઉત્પાદન ખર્ચ ઘટાડવાના આશયથી માવાના બદલે તૈયાર મીઠાઈનો ઉપયોગ કરીને પેંડા કે અન્ય વાનગી બનાવવાથી તેનો સ્વાદ, ગુણવત્તા અને ઘટકો બદલાઈ જાય છે. FSSAI ના નિયમો મુજબ ખોયા આધારિત મીઠાઈ (Food Category 18.1.1.1) નો ઉલ્લેખ છે, પરંતુ તૈયાર બરફીને માવાના વિકલ્પ તરીકે વાપરવાની મંજૂરી આપમેળે મળતી નથી. જો માવો વાપર્યા વગર તેને "માવાનો પેંડો કે મીઠાઈ" કહીને વેચવામાં આવે તો તે ગ્રાહકો સાથે સીધી ભ્રામકતા અને છેતરપિંડી ગણાય છે.

કાયદાકીય કલમો અને કડક દંડની જોગવાઈઓ

ખાદ્ય સુરક્ષા કાયદા (FSS Act, 2006)ની વિવિધ કલમો હેઠળ આવી ગેરરીતિઓ સામે દંડની સ્પષ્ટ જોગવાઈ છે-

કલમ 26(1) અને 26(2)(ii): વેપારીએ ખોરાક નિયમો મુજબનો જ છે તેની ખાતરી કરવી પડે છે; ભ્રામક, નીચી ગુણવત્તાવાળો કે ભેળસેળયુક્ત ખોરાક વેચી શકાતો નથી.

કલમ 3(1)(zf) અને કલમ 52: જો ખોરાકને ખોટા નામે કે ભ્રામક વર્ણનથી વેચવામાં આવે તો તે "Misbranded Food" બને છે અને તેના માટે કલમ 52 હેઠળ ભારે દંડ થઈ શકે છે.

કલમ 50: ગ્રાહકે માંગેલી ગુણવત્તા કે સ્વભાવ કરતાં જુદો જ ખોરાક આપવામાં આવે ત્યારે આ કલમ હેઠળ કાર્યવાહી થાય છે.

ગ્રાહકો અને વેપારીઓ માટે ખાસ સૂચના તથા કોર્પોરેશનનું વલણ

કોર્પોરેશને વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમણે સામગ્રી અંગે સાચી માહિતી આપવી અને માવા વગરની મીઠાઈને માવાવાળી કહીને ન વેચવી. બીજી તરફ ગ્રાહકોને પણ ખરીદી કરતી વખતે મીઠાઈમાં અસલી માવો વપરાયો છે કે કેમ તેની પૂછપરછ કરવાની સલાહ આપવામાં આવી છે. AMC ના હેલ્થ ફૂડ વિભાગે પુનરોચ્ચાર કર્યો છે કે નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે તહેવારો દરમિયાન નિયમોનો ભંગ કરતા એકમો સામે દંડથી લઈને સીલ કરવા સુધીની કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.