અમદાવાદ: આંબલી-બોપલમાં જળભરાવની સમસ્યાનો આવશે અંત, AMCએ તૈયાર કર્યો 'માસ્ટર પ્લાન'

અમદાવાદ મહાનગરપાલિકાએ વિસ્તારનો હાઈડ્રોલોજિકલ અભ્યાસ કરી આ પ્લાન તૈયાર કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 14 Aug 2026 10:58 AM (IST)Updated: Fri, 14 Aug 2026 10:58 AM (IST)
ahmedabad-ambli-bopal-waterlogging-solution-amc-master-plan-amit-shah
AI Generated Image

Ahmedabad Development News: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારના રહીશો માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અહીં સર્જાયેલી જળભરાવની ગંભીર સમસ્યાને દૂર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

18 ઈંચ વરસાદથી સર્જાયો જળબંબાકાર

તાજેતરમાં અમદાવાદમાં પડેલા આશરે 18 ઈંચ જેટલા ભારે વરસાદના કારણે આંબલી અને બોપલ સહિતના વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયા હતા. આ સમસ્યાની ગંભીર નોંધ લઈને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક અને કાયમી પગલાં લેવા ભલામણ કરી હતી.

હાઈડ્રોલોજિકલ અભ્યાસ અને માસ્ટરપ્લાન

અમિત શાહની ભલામણ બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સમગ્ર વિસ્તારનોહાઈડ્રોલોજિકલ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસના આધારે બાદમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

નવું સ્ટોર્મ વોટર નેટવર્ક: જે વિસ્તારોમાં હાલ ડ્રેનેજ લાઈન નથી, ત્યાં નવું નેટવર્ક ઊભું કરવામાં આવશે.

ઈન્ટર-કનેક્શન અને આઉટફ્લો: વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વિવિધ લાઈન વચ્ચે કનેક્શન આપવામાં આવશે અને નવા આઉટફોલ વિકસાવાશે.

કેનાલ અને નદી સાથે જોડાણ: વરસાદી પાણીના નિકાલ માટે ગોતા-ગોધાવી કેનાલ અને સાબરમતી નદી સાથેની વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે.

મનપામાં સમાવેશ છતાં સુવિધાનો અભાવ

આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારનો વર્ષ 2021 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ થયો હતો. જોકે, આ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ અને પૂરતા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવે સામાન્ય વરસાદમાં પણ અહીં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હતી.

ભાજપના મીડિયા ઈન્ચાર્જ બિમલ જોશીએ જણાવ્યું છે કે, આ આયોજનના અમલ બાદ લાંબા ગાળે આ વિસ્તારોમાં જળભરાવની સમસ્યામાં મોટી રાહત મળશે. આ ઉપરાંત વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ ડ્રેનેજ સિસ્ટમ અસરકારક રહે તે રીતે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.