અમદાવાદને “Zero Fatality District” બનાવવા માટે સ્પીપા ખાતે યોજાયો વિશેષ માર્ગ સલામતી વર્કશોપ

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ ઘટાડીને 'ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ' બનાવવા માટે સ્પીપા ખાતે એક દિવસીય માર્ગ સલામતી વર્કશોપ યોજાયો હતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 30 Sep 2026 02:38 AM (IST)Updated: Wed, 30 Sep 2026 02:38 AM (IST)
ahmedabad-aims-for-zero-fatality-district-with-road-safety-workshop

Ahmedabad Zero Fatality District: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ ઘટાડીને 'ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ' બનાવવા માટે સ્પીપા ખાતે એક દિવસીય માર્ગ સલામતી વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.

વર્કશોપનું આયોજન અને ઉપસ્થિતિ

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુમાં ઘટાડો કરી શહેરને “Zero Fatality District (ZFD)” બનાવવા માટે આજે સ્પીપા, અમદાવાદ ખાતે એક દિવસીય “Zero-Fatality District – Orientation and Implementation Workshop”નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા રોડ સેફ્ટી કમિશનરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપનું આયોજન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA), અમદાવાદ શહેર તથા SaveLIFE Foundationના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના એજન્ડા મુજબ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તથા અન્ય સંસ્થાઓના સહયોગ સાથે ZFD અભિગમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર અને રોડ સેફ્ટી કમિશનરનું માર્ગદર્શન

આ પ્રસંગે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં થતાં માર્ગ અકસ્માતો અને તેમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે અમદાવાદ શહેર પોલીસ તથા AMC દ્વારા સંયુક્ત રીતે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તેના આધારે જરૂરી માર્ગ સલામતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો તથા રાહદારીઓની માર્ગ સલામતી માટે તમામ સંબંધિત વિભાગો અને હિતધારકો સાથે મળીને સંકલિત પ્રયાસો કરવામાં આવે તો માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં રોડ સેફ્ટી કમિશનર સતીશ એ. પટેલ દ્વારા અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે દરેક સંબંધિત અધિકારીને સંવેદનશીલતા અને જવાબદારી સાથે કામગીરી કરવા તથા તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવી ડેટા આધારિત, પરિણામલક્ષી અને સંકલિત માર્ગ સલામતી કામગીરી હાથ ધરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

વિવિધ વિભાગો વચ્ચે સંકલિત પ્રયાસો

આ વર્કશોપમાં પોલીસ, આર.ટી.ઓ., અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), AMTS-BRTS, GSRTC, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, GVK 108 તથા નેશનલ હાઈવે સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અકસ્માતોના મૂળ કારણોનું વિશ્લેષણ કરી અકસ્માતો અને તેમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત રીતે કામગીરી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

4E Framework અને ટેક્નિકલ સત્રો

કાર્યક્રમ દરમિયાન Road Safety Principles, Zero Fatality District Programme, Safe System Approach તથા 4E Framework અંગે SaveLIFE Foundation દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમદાવાદ શહેરના માર્ગ અકસ્માતોના ડેટાનું વિશ્લેષણ, ZFD અમલીકરણ માળખું તથા વિવિધ વિભાગોની ભૂમિકા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

વર્કશોપના બીજા સત્રમાં Joint Site Assessmentsમાંથી મળેલ મુખ્ય તારણો, 4E Framework હેઠળ ZFD અમલીકરણની શ્રેષ્ઠ પદ્ધતિઓ, ડેટા આધારિત કાર્યવાહી તથા પ્રગતિનું મોનિટરિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદ શહેર માટે ZFD અમલીકરણની વ્યૂહરચના અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. વર્કશોપના અંતિમ સત્રમાં JP Research દ્વારા અમદાવાદ શહેરની માર્ગ સલામતી અંગેના તારણો રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

“Zero Fatality District” અભિગમ અંતર્ગત અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવા માટે Engineering, Enforcement, Education અને Emergency Services – 4Eના સંકલિત અભિગમ સાથે તમામ સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત અને સતત કામગીરી હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.