અમદાવાદમાં માત્ર રુ. 3.30 લાખમાં 1 BHK ફ્લેટ! 434 મકાનો માટે ફરી ડ્રો, જાણો કોણ કરી શકશે અરજી

અમદાવાદમાં PM આવાસ યોજના હેઠળ ₹3.30 લાખમાં 434 EWS 1 BHK ફ્લેટ મેળવવાની તક. સોલા, ગોતા, થલતેજ સહિત 8 વિસ્તારોમાં મકાન મળશે.જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 11:20 AM (IST)Updated: Sat, 21 Nov 2026 11:20 AM (IST)
ahmedabad-3-30-lakh-1-bhk-flat-434-ews-houses-pm-awas-yojana-application-2027
AI IMAGE

Ahmedabad PM Awas Yojana: મેટ્રો સિટી અમદાવાદમાં આકાશને આંબતી હાઈરાઈઝ બિલ્ડિંગો અને પ્રોપર્ટીના આસમાની ભાવો વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરનું ઘર ખરીદવું અત્યંત મુશ્કેલ અને પડકારજનક બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે એક મોટા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત તૈયાર થયેલા અને વિવિધ કારણોસર ખાલી રહેલા કુલ 434 ઈડબલ્યુએસ ફલેટ માટે ફરીથી ડ્રો યોજવાનો નિર્ણય લેવાયો છે, જેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.

શહેરના કયા વિસ્તારોમાં મળશે ફ્લેટ?

પાંચ વર્ષ અગાઉ અમદાવાદ મનપા દ્વારા કુલ 13,243 મકાનો બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 18 અલગ અલગ આવાસ યોજનાઓ હેઠળ સમયસર પૈસા ન ભરવા કે વેઇટિંગ લિસ્ટ બાદ પણ ખાલી રહેલા 434 ફ્લેટની ફાળવણી કરાશે. લાભાર્થીઓને સોલા, થલતેજ, ગોતા, મકરબા, ચાંદખેડા, નિકોલ, ઓઢવ અને અસલાલી જેવા વિકસિત વિસ્તારોમાં મેન્ટેનન્સ સહિત કુલ રુ.3.30 લાખની નજીવી કિમતમાં 1 બીએચકે ફ્લેટ ઉપલબ્ધ થશે.

પ્રાઈવેટ ફ્લેટને ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓ

આ સરકારી આવાસોનું બાંધકામ અને સુવિધાઓ કોઈ ખાનગી ફ્લેટથી કમ નથી:

  • ફ્લેટની સાઈઝ: 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા (33 થી 35 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા) ધરાવતા ફ્લેટમાં એક ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન અને કોમન ટોઈલેટની વ્યવસ્થા છે.
  • કોમન સુવિધાઓ: દરેક બ્લોકમાં લિફ્ટ, વિશાળ પાર્કિંગ, ફાયર સેફ્ટી, ગ્રીન એરિયા, બાળકો માટે ગાર્ડન અને આંગણવાડીની સુવિધા અપાઈ છે. ઉપરાંત, જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મોટાભાગની સ્કીમની બહાર શોપિંગ સેન્ટર (દુકાનો) પણ આવેલી છે.

અરજી કરવાની તારીખ, ડિપોઝિટ અને હપ્તાની સરળ સમજૂતી

ઈચ્છુક અરજદારો 20 નવેમ્બરથી 3 જાન્યુઆરી, 2027 સુધી AMCની સત્તાવાર વેબસાઈટ

(https://housingapplicationform.ahmedabadcity.gov.in/)

(https://housingapplicationform.ahmedabadcity.gov.in/) પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ડિપોઝિટ અને પેમેન્ટ પ્લાન: ફોર્મ ભરતી વખતે રૂ. 7,500 ડિપોઝિટ ભરવાની રહેશે. ડ્રોમાં નામ લાગ્યા બાદ 3 મહિનામાં મકાનની કુલ કિંમતના 20% રકમ (ડિપોઝિટ બાદ કરીને) ભરવાની રહેશે. બાકીની 80% રકમ એક વર્ષમાં 10 એકસરખા હપ્તામાં જે-તે બેંકમાં ભરપાઈ કરવાની રહેશે. સંપૂર્ણ રકમ અને મેન્ટેનન્સ ડિપોઝિટ ભર્યા બાદ દસ્તાવેજ કરીને કબજો સોંપાશે.

કોણ અરજી કરી શકે? (પાત્રતા અને શરતો)

  • આવક મર્યાદા: અરજદારના કુટુંબની (પતિ, પત્ની અને અપરિણીત બાળકો) સંયુક્ત વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી હોવી ફરજિયાત છે.
  • માલિકીની શરત: ભારત દેશમાં અરજદાર કે તેમના પરિવારના કોઈ પણ સભ્યના નામે પાકું મકાન કે જમીનનો પ્લોટ ન હોવો જોઈએ. (પુખ્ત વયનો સભ્ય વૈવાહિક દરજ્જાને ધ્યાને લીધા વિના અરજી કરી શકે છે).
  • અન્ય યોજનાનો લાભ: અરજદારે અગાઉ PMAY ના ચાર ઘટકો (AHP, BLC, CLSS, ISSR) કે મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ, અન્યથા ફાળવણી રદ થશે.

મકાનધારકોને AMCની મોટી તાકીદ

AMC દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે મકાનનો કબજો મળ્યાના મહત્તમ 6 મહિનામાં લાભાર્થીએ ત્યાં રહેવા જવું પડશે (વિલંબ થાય તો AMCને આગોતરી જાણ કરવી પડશે). જો સ્થળ તપાસ દરમિયાન મકાન ભાડે આપેલું કે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ વાપરતી હોવાનું જણાશે, તો પંચનામું કરીને તાત્કાલિક અસરથી ફ્લેટનું પઝેશન પરત ખેંચી લેવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.