Ahmedabad 149th Jagannath Rath Yatra: અમદાવાદના અસ્મિતા પર્વ સમાન 149મી જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ શરૂ થયો છે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, અષાઢી બીજના પવિત્ર દિવસે, 16 જુલાઈ અને ગુરુવારે સવારે 7:00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે.
ભગવાનની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી
આજે 14 જુલાઈ મંગળવારે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિઓની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી અને સૌથી મહત્વની ગણાતી એવી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ કપાટ ખોલી દેવામાં આવ્યા અને ભગવાનના દર્શન સાથે મહાઆરતી કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ કરી આરતી અને રૂટ નિરીક્ષણ
આજના વિશેષ કાર્યક્રમ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી અને ભગવાનની આરતી ઉતારી હતી. ત્યારબાદ, 31 હજાર પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે ચાલીને હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા રૂટ નિરીક્ષણ સમયે લોકો દ્વારા હર્ષ સંઘવીનું ફૂલવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ નિરીક્ષણમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પોલીસ કમિશનર પણ જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે હાલ મંદિર પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, IB વડા અશોક કુમાર યાદવ અને સેક્ટર 1 JCP નીરજ બડગુજર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

20 હજાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન
ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 11:00 વાગ્યે દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે ખાસ ભંડારા (મહાપ્રસાદ) તેમજ વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રસોડામાં આશરે 15 થી 20 હજાર ભક્તો માટે બટાકાનું શાક, માલપુવા, પુરી, દૂધપાક, ભાત અને કઢી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે.
