Ahmedabad 149th Jagannath Rath Yatra: અમદાવાદની આગામી 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી અદ્યતન ટેક્નોલોજી આધારિત અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે 14 કિલોમીટરના સંપૂર્ણ રથયાત્રા રૂટ પર AI, ડ્રોન, ફેસ રેકગ્નિશન અને સ્માર્ટ સર્વેલન્સના સંયોજનથી ચુસ્ત નજર રાખવામાં આવશે.
હાઈ-ટેક AI સુરક્ષા અને ક્રાઉડ એનાલિટિક્સ
રથયાત્રામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની મુખ્ય વિશેષતા:
- 3700 CCTV અને ક્રાઉડ કાઉન્ટિંગ: સમગ્ર રૂટ પર 3700 જેટલા CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 84 અતિ સંવેદનશીલ પોઈન્ટ પર AI આધારિત ક્રાઉડ કાઉન્ટિંગ સિસ્ટમ સતત કાર્યરત રહેશે.
- ફેસ રેકગ્નિશન સિસ્ટમ: આ સિસ્ટમમાં 65 હજારથી વધુ ગુનેગારોના ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવ્યા છે. આના આધારે પિકપોકેટ અને શંકાસ્પદ તત્વોને તરત જ ઓળખી શકાશે, તેમજ બિનવારસી સામાન અને ખોવાયેલા બાળકોને શોધવામાં પણ મોટી મદદ મળશે.
- અત્યાધુનિક ઉપકરણો: સુરક્ષામાં 4G સક્ષમ 100થી વધુ ડ્રોન, 1000 બોડી વોર્ન કેમેરા, હાઈ-ટેક મોટોરોલા કમ્યુનિકેશન સિસ્ટમ, AI વોઈસ બોટ દ્વારા ડયૂટી વિતરણ અને 3D મેપિંગ જેવી સુવિધાઓ તૈનાત કરવામાં આવી છે.
'ગજરક્ષક ડેશબોર્ડ' અને GPS ટ્રેકિંગ
રથયાત્રામાં સામેલ થતા હાથીઓ પર ગાયરોમીટર, CCTV, ડેસિબલ મીટર અને GPS લગાવવામાં આવ્યા છે, જેથી તેમની દરેક હિલચાલનું 'ગજરક્ષક ડેશબોર્ડ' પરથી લાઈવ મોનિટરિંગ કરી શકાશે. આ ઉપરાંત, રથયાત્રાના તમામ ટ્રકો અને અખાડાઓને પણ GPS ટ્રેકિંગ સાથે જોડવામાં આવ્યા છે.
15 હજાર પોલીસકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
રથયાત્રાની સુરક્ષા માટે વિશાળ પોલીસ કાફલો તૈનાત રહેશે. આ સુરક્ષાનું સુકાન CP, 5 IG, 25 IPS, 50 ACP, 100 PI અને 300 PSI સંભાળશે. આ ઉપરાંત 10 હજાર પોલીસ, TRB અને હોમગાર્ડના જવાનો ઉપરાંત 10 SRP ટુકડી અને RAF ટીમો મળીને કુલ 15 હજાર કરતા વધુ સુરક્ષા જવાનો બંદોબસ્તમાં રહેશે. આ વ્યવસ્થાને આખરી ઓપ આપવા સોમવારે સવારે 14 કિલોમીટરના રૂટ પર DCP, SRP, RAF અને ક્રાઈમ બ્રાન્ચ સહિતના આશરે 2000 જવાનોએ મેગા રિહર્સલ કર્યું હતું.

DGP દ્વારા સૂચનાઓ અને વીડિયો કોન્ફરન્સ
રથયાત્રાની પૂર્વ તૈયારી માટે DGP મલિકે રાજ્યના તમામ CP, રેન્જ વડાઓ અને જિલ્લાના SPO સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. તેમણે શાંતિ સમિતિની બેઠક પર ભાર મૂકવા અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી તકેદારી રાખવા આદેશ આપ્યા છે.
અમદાવાદ, ભાવનગર અને ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સોશિયલ મીડિયા મોનીટરીંગ કડક કરવા જણાવાયું છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ટીયરગેસ, લાઠી અને હેલ્મેટનો પૂરતો સ્ટોક રાખવા તથા ઓન-ડ્યુટી કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાનો મહત્તમ ઉપયોગ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
