149મી રથયાત્રા પૂર્વે PM મોદીએ જાળવી પરંપરા, જગન્નાથ મંદિરે મોકલ્યો મગ-જાંબુ અને ડ્રાયફ્રૂટ્સનો વિશેષ પ્રસાદ

અમદાવાદની 149મી રથયાત્રા પૂર્વે PM નરેન્દ્ર મોદીએ દર વર્ષની પરંપરા નિભાવીને જગન્નાથ મંદિરે વિશેષ પ્રસાદ મોકલ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 15 Jul 2026 06:31 PM (IST)Updated: Wed, 15 Jul 2026 06:31 PM (IST)
ahead-of-the-149th-rath-yatra-pm-modi-upholds-tradition-by-sending-a-special-offering-of-moong-jamun-and-dry-fruits-to-the-jagannath-temple

Ahmedabad Rathyatra 2026: ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર અમદાવાદ અને મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પાવન અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષો જૂની પરંપરા અને ભગવાન જગન્નાથ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા ફરી એકવાર જોવા મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાને દિલ્હીથી ભગવાન માટે ખાસ પરંપરાગત પ્રસાદ મોકલીને પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે.

પ્રસાદમાં શું ખાસ મોકલવામાં આવ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલા આ ખાસ પ્રસાદમાં ઋતુ પ્રમાણેના ફળો અને ઉત્તમ ગુણવત્તાવાળી સામગ્રીનો સમાવેશ થાય છે.

  • દેશી મગ અને જાંબુ
  • કાકડી અને કેરી
  • કાજુ, બદામ, અખરોટ સહિતના ડ્રાયફ્રૂટ્સ

13 વખત પહિંદ વિધિ કરવાનો અનોખો રેકોર્ડ

PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી તેમનો જગન્નાથ મંદિર સાથે ખૂબ જ ભાવનાત્મક અને નિકટનો સંબંધ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ 13 વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ ધરાવે છે.

શું છે પહિંદ વિધિ?

રથયાત્રા પ્રસ્થાન કરે તે પહેલાં સોનાના સાવરણાથી રથના માર્ગને સાફ કરવાની અત્યંત પવિત્ર વિધિને 'પહિંદ વિધિ' કહેવામાં આવે છે.

આજે ભલે તેઓ દેશના વડાપ્રધાન તરીકે દિલ્હીમાં વ્યસ્ત હોય, પણ રથયાત્રાના એક દિવસ પહેલાં મંદિરે પ્રસાદ મોકલીને તેઓ અચૂક પોતાની હાજરી પુરાવે છે. વડાપ્રધાનની આ ભક્તિ જોઈને મંદિરના પૂજારીઓ અને સ્થાનિક ભક્તોમાં પણ ભારે હર્ષની લાગણી જોવા મળી છે.