Gopal Italia Viral Audio: ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઓડિયો અને ધારાસભ્યની સંભવિત ધરપકડના મુદ્દે 'આપ' દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
વાયરલ ઓડિયો બનાવટી અને 'AI જનરેટેડ' હોવાનો ખુલાસો
ગોપાલ ઇટાલીયાએ વાયરલ થયેલા ઓડિયો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ ઓડિયો સંપૂર્ણપણે બનાવટી અને આધુનિક 'AI' ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "ગઈકાલે હર્ષ સંઘવીએ મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે મેં આ વાતનો ભાંડો ફોડ્યો, ત્યારે સાંજે એક બનાવટી ઓડિયો વાયરલ કરીને મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."
ઇટાલીયાએ વધુમાં ઉમેર્યું કે, "મેં અગાઉ ડ્રગ્સ, દારૂના હપ્તા અને કાયદો-વ્યવસ્થા અંગે 100 જેટલા સવાલો ઉઠાવ્યા ત્યારે કોઈ ઓડિયો ન આવ્યો, પરંતુ પરિવારના સન્માનની વાત કરી એટલે તરત જ આ ષડયંત્ર રચાયું. હું પોતે પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું, મારે કોઈની પાસે કાયદાનું જ્ઞાન લેવાની જરૂર નથી."
ગૃહ રાજ્યમંત્રી પર પ્રહારો
ધારાસભ્યએ ગૃહ રાજ્યમંત્રીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમના શાસનમાં પોલીસ પર હુમલા વધ્યા છે અને ગુંડાઓ બેફામ બન્યા છે. તેમણે જણાવ્યું કે 100થી વધુ FIR કરીને કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવ્યા છે, પરંતુ 'આપ' ના નેતાઓ આવી ધમકીઓથી ડરવાના નથી. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, 2027માં ગુજરાતમાં પરિવર્તન આવશે અને અત્યાચારીઓને જેલના સળિયા ગણવા પડશે.
ઈસુદાન ગઢવીની ચેતવણી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'આપ' ની વધતી લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરવાનું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ગઢવીએ જનતાને અપીલ કરતા કહ્યું, "જો ગોપાલભાઈની ધરપકડ થાય, તો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવજો. આનો જવાબ મતદાનના દિવસે 'ઝાડું' નું બટન દબાવીને આપજો." તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપના પાયાના કાર્યકર્તાઓ પણ સરકારની આ દમનકારી નીતિથી નારાજ છે અને તેઓ પણ ચૂંટણીમાં ઉલટફેર કરી શકે છે.
