Juhapura Taxi Accident: જુહાપુરાના અજીમ પાર્કની શેરીમાં રાત્રીના સમયે અકસ્માત બાદ ટોળાંએ કારમાં તોડફોડ કરી હતી. આ પછી પોલીસ પહોંચી ત્યારે કેબ ડ્રાઈવરનો મૃતદેહ કારના બોનેટ પર જોવા મળ્યો હતો. આ ઘટનામાં ટોળાએ માર મારીને હત્યા કરી કે પછી આકસ્મિક મૃત્યુ થયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત વેજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. અકસ્માત પછી ડ્રાઈવરના મૃત્યુના પગલે ટોળા એકત્ર થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે.
ડ્રાઇવરનું મૃત્યું થયું
ઇસનપુરમાં રહેતા કૌશિક ચૌહાણ નામનો યુવક ટેક્સી પાસિંગની કાર પૂર ઝડપે ચલાવી જતો હતો. આ સમયે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા વાસણાથી જુહાપુરા સુધીના રસ્તા પર અનેક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતનો ભોગ બનેલા કારના ચાલકો તથા સ્થાનિક લોકોએ વાસણાથી જુહાપુરા સુધી ભાગી રહેલી કારનો પીછો કર્યો હતો. જુહાપુરા વિસ્તારમાં આઈશા મસ્જિદ બાજુમાં અજીમ પાર્ક શેરીમાં ટોળાંએ કારને રોકીને તોડફોડ કરી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
આ દરમિયાન કાર ચાલક કૌશિકનું મૃત્યુ થયું હતું. તેમનો મૃતદેહ કારના બોનેટની આગળની સાઈડ રોડ ઉપર પડેલો હતો. જો કે કાર ચાલકનું અકસ્માતના કારણે મૃત્યું થયું છે કે, પછી લોકોએ મારવાથી મોત થયું છે તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. જેને કારણે ઝોન-7 ની LCB તથા વેજલપુર પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે સર્વે કરવામાં આવી રહ્યો છે.
આ બનાવના પગલે ક્રાઇમ બ્રાંચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. વેજલપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરુ કરીને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવો તે અંગે અસમંજસ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
