SIR Voter List: અત્યાર સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 92,235 લોકોના ફોર્મ મળ્યા

1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Dec 2025 05:47 PM (IST)Updated: Wed, 24 Dec 2025 05:47 PM (IST)
92235-people-have-received-forms-to-add-their-names-to-the-voter-list-after-sir-work
HIGHLIGHTS
  • આગામી તા. 18 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશે

SIR Voter List: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.23 ડિસેમ્બર સુધીમાં કુલ 92,235 નાગરિકો તરફથી ફોર્મ 6/ 6A મળ્યા છે. જે પૈકી 69,760 ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને 22,475 ફોર્મ ત્યારપછી મળ્યા છે.

જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે કુલ 13,331 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે. જે પૈકી 11,074 મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને 2,257 ત્યારપછી મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.