અમદાવાદ, હું પણ પાયાનો પિલ્લર: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે તૃતીય દિવસ પૂર્ણ થયો. જિગ્નેશ દાદાના સ્વમુખેથી સતત તૃતીય દિવસે પણ 6 હજારથી વધુ ભાવિભક્તોએ શ્રીમદ્દ ભાગવત કથાના રસપાનનો લાભ લીધો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ રાજ્યભરમાંથી પધારેલા મા ઉમિયાના ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો. આજે ત્રીજા દિવસે પણ વધુ 75 મહાનુભવોએ પણ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પાયા પિલ્લર બનવાનો લાભ લીધો છે. અર્થાત્ અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત 680 ભાગ્યશાળી મહાનુભાવોએ લાભ લીધો છે. તો વળી હવે માત્ર 760 મહાનુભાવોને જ પાયાના પિલ્લર બનવાનો લાભ બાકી છે.
તૃતીય દિવસે 75 મહાનુભાવો હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયાઃ આર.પી.પટેલ
આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે હું પણ પાયાનો પિલ્લર અભિયાન કે જેનો લાભ વિશ્વના માત્ર 1440 મહાનુભવોને જ પ્રાપ્ત થવાનો છે. હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમસ્ત સમાજના લોકો વિશ્વભરમાંથી જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકા-કેનેડા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોના પરિવારો પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયા છે.
શુક્રવારે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
શુક્રવારે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદાપુરૂષોતમ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી થશે. તો વળી જગતના અધિપતી પ્રભુના વામન અવાતારથી લઈ 10 અવતારોનું વર્ણન પણ કરાશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
