કિશન પ્રજાપતિ, અમદાવાદઃ
Ram Mandir Pran Pratishtha Muhurt: જેની સદીઓથી આતૂરતાથી રાહ જોવાતી હતી એ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અયોધ્યામાં નિર્માણાધિન મંદિરમાં ભગવાન શ્રીરામી મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત માત્ર 88 સેકન્ડનું જ છે. જેમાં મૂળ ગુજરાતના થરાદના અને અમદાવાદમાં રહેતા જ્યોતિષાચાર્ય વિશ્વ વોરાનો મહત્ત્વનું યોગદાન છે. વિશ્વ વોરાએ અઢી મહિના સુધી-અલગ શાસ્ત્રોનો અભ્યાસ કરીને શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનું 88 સેકન્ડનું અભિજિતનું સૂક્ષ્મ મુહૂર્ત આપ્યું છે. વિશ્વ વોરાએ આ અંગે ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
મહત્ત્વનું છે કે, ''શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા દેશના દિગ્ગજ પીઠાચાર્યો, શંકરાચાર્ય તેમજ મહંતોની સાથે અમદાવાદ શહેરના યુવકને પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે અયોધ્યા આમંત્રણ અપાયું હતું. આ દિગ્ગજોમાં ગણેશ્વર શાસ્ત્રીજી, ગોવિંદ દેવ ગિરિજી, જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામી, પીઠાધિપિત રામભદ્રાચાર્યજીના પણ સૂચનો લેવામાં આવ્યા હતાં. જ્યારે સમય નક્કી કર્યો ત્યારે 12.22થી 12.33નું પ્રથમ મૂહુર્ત નીકળ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 12.22 બપોરે ગોવિંદ દેવ ગિરિજી મહારાજના હસ્તે અભિજિત મુહૂર્તમાં કરવામાં આવશે.''
આ પણ વાંચો
''અયોધ્યાથી ગોવિંદ દેવ ગિરિજી દ્વારા મુહૂર્ત જોવા માટે એપ્રોચ કરાયો હતો''
વિશ્વ વોરાએ ગુજરાતી જાગરણ સાથે વાત કરતાં જણાવ્યું કે, ''રામ મંદિરમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાંથી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ, ગણેશ્વર શાસ્ત્રીજી અને રામસૂર્ય નારાયણજી દ્વારા મને કહેવામાં આવ્યું હતું.''
''ગોવિંદ દેવ ગિરિજી સાથેના સંપર્ક વિશે વાત કરું તો અમદાવાદના સાબરમતી ગુરુકુલમમાં મારો 2010માં પ્રવેશ થયો અને 2020 સુધી જ્યોતિષના આષ્ટાંગનો મારો અભ્યાસ થયો છે. જેમાં જ્યોતિષ રત્ન વિશારદની ડિગ્રી લઈને કાશી-બનારસમાં પણ જ્યોતિષનો અભ્યાસ થયો હતો. આ દરમિયાન ગોવિંદ દેવ ગિરિજી સાથે મારો પરિચય થયો હતો. આ દરમિયાન અયોધ્યાની વાત આવી હતી.''
''મારી પાસે ગુરુ વશિષ્ઠે રાજ્યાભિષેક કરાવ્યો તે વખતની કુંડળીની વિગતો મારી પાસે હતી''
વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે, ''તે વખતે વાસ્તુ, શિલ્પ અને અન્ય કોઈ સમિતિ નહોતી, પણ મારું સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન છે એટલે ગોવિંદ દેવ ગિરીજી મહારાજ દ્વારા રામસૂર્યનારાયણજી સાથે અભ્યાસ અને અધ્યનનો પણ પરિચય છે. તેમણે આ મુહૂર્ત કેવું હોવું જોઈએ, તેની શું વિશેષતા હશે, સમયનું લગ્ન નવમાંશ, કુંડળીની વિગતો મારી પાસે હતી. જેનું ડિસ્કશન કરીને તારણ નીકળ્યું હતું. આ રીતે મૂહુર્તમાં મારું જોડાણ છે. ''
''પાંચથી વધુ મૂળભૂત પાયાના ગ્રંથોનો અભ્યાસ કરી મૂહુર્ત આપ્યું''
વિશ્વ વોરાએ જણાવ્યું કે, ''આરંભ સિદ્ધિ, મુહુર્ત માર્કંડ, મુહૂર્ત ચિંતામણી, બૃહદ દૈવજ્ઞ, બૃહદ પરાશર હોરા શાસ્ત્ર જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને અભિજિતનું સૂક્ષ્મ મુહૂર્ત 88 સેક્નડનું આપ્યું છે. આ મૂળભૂત પાયાના ગ્રંથો છે. જેના દ્વારા દિવસ પણ નક્કી કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી જ કેમ? કારણ કે, તેની શુદ્ધતા, નિર્દોષતા છે.''
''એવું કહેવાય છે કે, ગુરુદેવ વશિષ્ઠે ભરતને મુહૂર્ત આપ્યું હતું એ જ રીતનું આ સમાન એવી રીતનું મુહૂર્ત છે. રામ મહારાજની તે સમયે જે લગ્ન રાશિ હતી તે જ દિવસની લગ્ન રાશિ છે. ઇન્દ્ર દેવ પણ ઇન્દ્રાસનમાં બેઠા હતા. તે દિવસોને ગણીને તેની અંદર મૃગશીષ નક્ષત્રમાં અભિજિત મુહુર્ત એમાં પણ 12.22નું મુહૂર્ત, કેવી કુંડળી અને તેનું ફળ કથન, તેની વિશેષતા સમાન છે.''
''આ શ્રેષ્ઠ મુહૂર્તમાં નવેય ગ્રહો પોતાની ઉચ્ચ સ્થિતિમાં છે''
વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે, ''તે દિવસે જે તિથિ બાર નક્ષત્ર, કરણ, યોગ અને ચંદ્ર રાશિનો જે મેળાપ છે. જે લગ્ન નવમાંશ અને ગ્રહોની શુદ્ધિ છે. તે ગોચર દિવસ છે તે પણ ખૂબ જ દુર્લભ છે. જેમાં સૂર્ય, ચંદ્ર, શનિ અને ગુરુ યુગકારક સ્થિતિમાં છે. બાકીના મૂળ ત્રિકોણી, સ્થિત તત્વનો નવમાંશ છે. આ શ્રેષ્ઠ મુહૂર્તની ગોચર ગ્રહ વ્યવસ્થામાં અગ્નિતત્વના મેષ લગ્નમાં સ્થિરતત્વનું વૃશ્ચિક નવમાંશ લેવામાં આવ્યું છે. જેમાં નવેય ગ્રહો પોતાની ઉચ્ચસ્થિતિમાં છે.''
''ભગવાન રામ જ્યારે ગાદીએ બેઠાં એવું જ આ મૂહુર્ત છે''
વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે, ''આ દિવસની ગ્રહદશા દુર્લભ છે. અયોધ્યામાં ભગવાન રામને ગાદી પર બેસાડવાનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ આપ્યું હતું. એ દિવસે જે મુહૂર્તો અને ગ્રહદશા હતાં, તેવાં જ 22 જાન્યુઆરી 2024ના રોજ રચાતાં હોવાને કારણે આ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસનું શુદ્ધ અને નિર્દોષ ગ્રહ ગણિત ભારતના ઉજ્જવલ ભવિષ્યને ફળ કથિત કરશે.''
''પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.22 વાગ્યે અંજનશલાકાથી કરાશે''
વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે, ''18 તારીખે વાસ્તુ પૂજન થશે. એ પછી 21 તારીખે યજ્ઞનો પ્રારંભ થશે. 22 તારીખે સામરણમાંથી ગર્ભગૃહમાં શ્રીરામજીની મૂર્તિનો પ્રવેશ થશે. પ્રવેશ થયા પછી સ્થાપના થશે. તે સમયે ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શંકરાચાર્ય વિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. અયોધ્યામાં રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવ્યા બાદ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.22 વાગ્યે અંજનશલાકાથી કરવામાં આવશે.''
''અંજનશલાકાથી પ્રાણ સ્થાપના સુધીનો આ સૂક્ષ્મ સમયગાળો 1.28 મિનિટનો રહેશે''
વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે, ''સુવર્ણ શલાકાથી વિધિવત અંજન લગાવ્યા બાદ ભગવાન રામની આંખો સમક્ષ અરીસો કે કાચની પટ્ટીઓ રાખવામાં આવશે. જે પ્રાણારોપણ બાદ જાતે જ ખંડિત થઈ જશે. અંજનશલાકાથી પ્રાણ સ્થાપના સુધીનો આ સૂક્ષ્મ સમયગાળો 1.28 મિનિટનો રહેશે. ત્યાર બાદ અભિષેક, છત્રની સ્થાપના, ધ્વજ સ્થાપના તથા મંદિરમાં અન્ય દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. આમ 12.22થી 12.29ની અંદર સમગ્ર વિધિ પૂર્ણ થઈ જશે.''
''આ સુવર્ણ તક અને પ્રતિષ્ઠાના ભાગરૂપે સાક્ષી બનવાનું પરમ સૌભાગ્ય છે''
વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે, ''આ ઐતિહાસિક સુવર્ણ તક અને પ્રતિષ્ઠાના ભાગરૂપે સાક્ષી બનવાનું પરમ સૌભાગ્ય છે. આ મારા માટે માઇલસ્ટોન છે. આ દરેકના આશીર્વાદ થકી થયું છે.''
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
