AILF 2026: અમદાવાદમાં 24 ઓક્ટોબરથી 11મો ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ, દેશ-વિદેશના લેખકો અને કલાકારો રચશે સાહિત્યિક કુંભ

બે દિવસીય આ મહોત્સવમાં ભારત અને વિદેશના પ્રખ્યાત લેખકો, કવિઓ, ફિલ્મસર્જકો, શિક્ષણવિદો અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ એકમંચ પર એકત્ર થઈ સાહિત્ય, સિનેમા અને વાર્તાકથનની માનવ જીવન પર પડતી અસરો વિશે વિચાર-વિમર્શ કરશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 19 Oct 2026 02:03 PM (IST)Updated: Mon, 19 Oct 2026 02:10 PM (IST)
11th-ahmedabad-international-literature-festival-ailf-2026-dates-speakers-theme
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2026

Ahmedabad International Literature Festival 2026: અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ની 11મી આવૃત્તિનું આગામી 24 અને 25 ઓક્ટોબર, 2026 ના રોજ 'ધ ઉમ્મેદ', અમદાવાદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય આ મહોત્સવમાં ભારત અને વિદેશના પ્રખ્યાત લેખકો, કવિઓ, ફિલ્મસર્જકો, શિક્ષણવિદો અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ એકમંચ પર એકત્ર થઈ સાહિત્ય, સિનેમા અને વાર્તાકથનની માનવ જીવન પર પડતી અસરો વિશે વિચાર-વિમર્શ કરશે.

‘સાહિત્ય અને આનંદના પડઘા’ થીમ પર મંથન

આ વર્ષે AILF 2026 નો મહોત્સવ “સાહિત્ય અને આનંદના પડઘા – એવી વાર્તાઓ જે ઘા રુઝાવે, પ્રેરણા આપે અને આનંદને નવી વ્યાખ્યા આપે” થીમ પર આધારિત રહેશે. આ વિષય હેઠળ વાર્તાઓ લોકોને એકબીજા સાથે કેવી રીતે સાંકળે છે, સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે જાળવી રાખે છે અને બદલાતા સામાજિક તથા સર્જનાત્મક પરિવેશમાં કેવો પ્રતિસાદ આપે છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

7 દેશોના અગ્રણી વક્તાઓ આપશે હાજરી

કાર્યક્રમ અંગે વિગતો આપતાં AILF ના સ્થાપક ડિરેક્ટર ઉમાશંકર યાદવે જણાવ્યું હતું કે, 11મી આવૃત્તિમાં આંતરરાષ્ટ્રીય સ્તરેથી શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, રશિયા, વિયેતનામ, ઇરાક અને માલી સહિત સાત દેશોના તજજ્ઞો ભાગ લેશે. તેમની સાથે ભારતીય સાહિત્ય અને વિદેશી અનુભવ ધરાવતા દેશના નામાંકિત વ્યાવસાયિકો પણ જોડાશે.

મુખ્ય સહભાગીઓ અને મહાનુભાવો:

  • પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
  • વી. એસ. ગઢવી, IAS (નિવૃત્ત) અને મનોજ અગ્રવાલ, IAS (નિવૃત્ત)
  • ફિલ્મસર્જક અને પટકથા લેખક સંજય છેલ, ફિલ્મસર્જક ઉમેશ શુક્લા, અને અભિષેક શાહ
  • તેલુગુ લેખિકા પી. લલિતા કુમારી (જેઓ 'વોલ્ગા' તરીકે જાણીતાં છે)
  • શિક્ષણવિદ ડૉ. મંજુલા પૂજા શ્રોફ, સાહિત્યવિદ્ ડૉ. શરીફા વીજળીવાળા અને જાણીતા કવિ અનિલ ચાવડા.

સિનેમા, AI અને પ્રાદેશિક સાહિત્ય પર ખાસ સત્રો

આ બે દિવસીય મહોત્સવમાં વાચકો અને કળારસિકો માટે વિવિધ રસપ્રદ સત્રોનું આયોજન કરાયું છે. જેમાં વાંચન, લેખન અને સિનેમાનો આંતર સંબંધ, નવી પેઢી માટે વાર્તાકથનનું મહત્ત્વ, પ્રાદેશિક સાહિત્ય તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં બદલાતા મીડિયા જગત પર વિશેષ સંવાદ યોજાશે.

સિનેમા વિભાગ અંતર્ગત ‘સપનાથી પડદા સુધી: ડ્રોપ આઉટની નિર્માણયાત્રા’ શીર્ષક હેઠળ હિન્દી ફિલ્મ ‘ડ્રોપ આઉટ’ના નિર્માણ પર ચર્ચા થશે, જેમાં ઉમાશંકર યાદવ, વિવેક યાદવ અને સંદીપ યાદવ પોતાના અનુભવો શેર કરશે. આ ઉપરાંત, ફિલ્મનિર્માણની કળા, પ્રથમ ડ્રાફ્ટથી ફાઇનલ કટ સુધીની સફર અને ઉભરતી ટેક્નોલોજી વિશે પણ ચર્ચા હાથ ધરાશે.

ફેસ્ટિવલ અંગે મહત્વની જાણકારી

આઇકોન એજ્યુકેશન ફાઉન્ડેશનની આ પહેલની સ્થાપના ૨૦૧૬ માં ઉમાશંકર યાદવ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. વર્ષોથી આ ફેસ્ટિવલ વિચારોના આદાન-પ્રદાનનું એક સશક્ત માધ્યમ બન્યો છે.

  • કાર્યક્રમ: 11મો અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF 2026)
  • તારીખ: 24 – 25 ઓક્ટોબર, 2026
  • સ્થળ: ધ ઉમ્મેદ, અમદાવાદ