Gujarat Holi-Dhuleti News: આગામી હોળી અને ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતની જીવનરેખા ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવાએ કમર કસી છે. અગાઉના વર્ષોના ડેટા એનાલિસિસ મુજબ, હોળીના દિવસે ઇમરજન્સી કેસમાં 12 ટકા અને ધુળેટીના દિવસે આશરે 44 ટકા સુધીનો તોતિંગ વધારો નોંધાય છે. સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 4,680 કોલ્સ મળતા હોય છે, પરંતુ આ વર્ષે ધુળેટીના દિવસે આ આંકડો વધીને 6,750 સુધી પહોંચવાનો અંદાજ છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ જોખમ
108 સેવાના ડેટા મુજબ, રાજ્યના મોટા શહેરોમાં ઇમરજન્સીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. સુરતમાં સૌથી વધુ 53 ટકા સુધી ઇમરજન્સી કેસ વધવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં વિવિધ પ્રકારના કેસમાં 25 ટકાથી લઈને 244 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના એસ.જી. હાઈવે અને પૂર્વના નારોલ-મણિનગર જેવા વિસ્તારો સંવેદનશીલ ગણાયા છે.
1400 ‘હોટસ્પોટ’ની ઓળખ અને વ્યૂહાત્મક તૈનાતી
108 એમ્બ્યુલન્સ સેવાના સીઈઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, ગૂગલ મેપ્સ લોકેશન વિશ્લેષણ અને અગાઉના વર્ષોના ઇમરજન્સી કોલ્સના આધારે રાજ્યભરમાં 1,400 ‘હોટસ્પોટ’ ઓળખવામાં આવ્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં માર્ગ અકસ્માત, મારામારી, ડૂબવાના કે ઊંચાઈએથી પડવાના બનાવો વધુ બને છે. દર્દીને અકસ્માત કે બીમારીના પ્રથમ કલાકમાં એટલે કે ‘ગોલ્ડન અવર’માં સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સને આ હોટસ્પોટની એકદમ નજીક તૈનાત રાખવામાં આવશે. તેમજ શહેરમાં 136 સંવેદનશીલ વિસ્તારો છે, જેમાં ગોતા, વૈષ્ણોદેવી, મકરબા, બોડકદેવ, થલતેજ, કાલુપુર અને મણિનગરનો સમાવેશ થાય છે.
કયા પ્રકારના કેસમાં વધારો થાય છે?
તહેવાર દરમિયાન ઉત્સાહ અને બેદરકારીને કારણે અમુક ચોક્કસ પ્રકારના કેસમાં વધારો જોવા મળે છે:
- 1) માર્ગ અકસ્માત અને નશામાં ડ્રાઇવિંગ: ધુળેટીના દિવસે નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે અકસ્માતો વધે છે.
- 2) ઝઘડા અને મારામારી: જબરદસ્તી રંગ લગાવવાની ઘટનાઓ, જૂના વેરઝેર બહાર આવવા અથવા ભીડમાં થતી ધક્કામુક્કીને કારણે ઝઘડા મોટા બને છે.
- 3) અન્ય બનાવો: ઊંચાઈએથી પડવું, નદી કે તળાવમાં ડૂબવું અને ઝેર પીવાના કિસ્સાઓમાં પણ વધારો નોંધાય છે.
1750થી વધુ એમ્બ્યુલન્સનું વિશાળ નેટવર્ક
તહેવાર દરમિયાન રિસ્પોન્સ ટાઈમ (ઘટનાસ્થળે પહોંચવાનો સમય) ઘટાડવા માટે મોટા પાયે સંસાધનો કાર્યરત કરાયા છે:
- 108 એમ્બ્યુલન્સ: 800થી વધુ ગાડીઓ.
- ખાસ સેવાઓ: 38 ICU ઓન વ્હીલ્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ.
- સરકારી સંકલન: સરકારી હોસ્પિટલોની 500થી વધુ એમ્બ્યુલન્સ સાથે સંકલન સાધવામાં આવ્યું છે, જેનાથી કુલ 1,750થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે.
નાગરિકોને અપીલ
તંત્ર દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષિત રીતે હોળી-ધુળેટીની ઉજવણી કરે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખે અને કોઈ પણ કટોકટીના સમયે તાત્કાલિક 108 પર સંપર્ક કરે. ગુજરાત સરકાર અને 108 સેવા દ્વારા કરવામાં આવેલી આ આગોતરી તૈયારીઓ દર્શાવે છે કે તંત્ર જનતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. જોકે, ઉત્સવનો આનંદ જળવાઈ રહે તે માટે નાગરિકોની જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય છે.
