GK: પેકિંગમાં બ્રાઉન બોક્સનો જ કેમ થાય છે ઉપયોગ? જાણો ખર્ચ, મજબૂતી અને રિસાઇકલિંગનું કારણ

ઓનલાઇન ડિલિવરીથી લઈને સામાન શિફ્ટ કરવા સુધી પેકિંગમાં કેમ થાય છે માત્ર 'બ્રાઉન બોક્સ'નો જ ઉપયોગ? જાણો ખર્ચ, મજબૂતી અને રિસાઇકલિંગ પાછળનું મોટું રહસ્ય

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 22 Sep 2026 04:21 PM (IST)Updated: Tue, 22 Sep 2026 04:21 PM (IST)
why-packaging-boxes-are-brown-kraft-paper-corrugated-cardboard-recycling-reasons

Why Packaging Boxes Are Brown: આજના ડિજિટલ યુગમાં ઇ-કોમર્સ સાઇટ્સ પરથી ઓનલાઇન ખરીદી કરવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. ઘરઆંગણે આવતી ડિલિવરી હોય કે પછી ઘર-ઓફિસનો સામાન એક સ્થળેથી બીજી સ્થળે શિફ્ટ કરવાનો હોય, એક વસ્તુ હંમેશાં સામાન્ય નજરે પડે છે ભૂરા (બ્રાઉન) રંગના પૂંઠાના બોક્સ (Cardboard Box). બોક્સ નાનું હોય કે મોટું, પેકેજિંગ માટે મોટાભાગે આ જ રંગ વપરાય છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું તેને આકર્ષક કે રંગીન ન બનાવી શકાય? હકીકતમાં, આ બ્રાઉન રંગ પાછળ કાગળ બનાવવાની કુદરતી પ્રક્રિયા, ઉત્પાદન ખર્ચનું ગણિત, બોક્સની અસાધારણ મજબૂતી અને રિસાઇકલિંગ જેવા મહત્વપૂર્ણ કારણો રહેલા છે.

કાગળની કુદરતી બનાવટ અને ખર્ચનું ગણિત

કાર્ટૂન બોક્સ સામાન્ય રીતે 'ક્રાફ્ટ પેપર' માંથી બનાવવામાં આવે છે, જે લાકડાના રેસા એટલે કે સેલ્યુલોઝમાંથી તૈયાર થાય છે. કાગળ બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેને રાસાયણિક બ્લીચિંગ દ્વારા એકદમ સફેદ કે રંગીન કરવાને બદલે તેના કુદરતી રંગની નજીક જ રાખવામાં આવે છે. લાકડાના પલ્પના આ ગુણધર્મને કારણે ક્રાફ્ટ પેપરનો રંગ આછો ભૂરો કે માટી જેવો દેખાય છે. ગિફ્ટ બોક્સ કે કોસ્મેટિક પ્રોડક્ટ્સનું પેકેજિંગ ચમકદાર હોય છે, પરંતુ રોજિંદા સામાનના વહન માટે વપરાતા બોક્સ પર વધારાનું કેમિકલ પ્રોસેસિંગ, બ્લીચિંગ, શાહી કે કલર કરવાનો ખર્ચ કરવામાં આવતો નથી. જો આ સામાન્ય બોક્સને સફેદ કે રંગીન બનાવવામાં આવે, તો મોટા પાયે પેકેજિંગ કરતી કંપનીઓ માટે આર્થિક રીતે ઉત્પાદન ખર્ચ ખૂબ વધી જાય.

મજબૂતી અને કોરુગેટેડ કાર્ડબોર્ડનો જાદુ

બ્રાઉન બોક્સનો મુખ્ય હેતુ સામાનને સુરક્ષિત રાખવાનો હોય છે. ક્રાફ્ટ પેપરમાં રહેલા લાંબા અને મજબૂત ફાઇબર્સ ભારે વજન ઉઠાવવા માટે ખૂબ અનુકૂળ હોય છે. આ જ કાગળના અનેક સ્તરો ભેગા કરીને કોરુગેટેડ કાર્ડબોર્ડ તૈયાર કરાય છે, જેમાં સપાટ સ્તરોની વચ્ચે તરંગ આકારનું સ્તર મૂકવામાં આવે છે. આ ખાસ ડિઝાઇન મુસાફરી કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સામાન પર આવતા દબાણ અને આંચકાઓને સહન કરી લે છે. આ જ કારણથી ઇલેક્ટ્રોનિક સાધનો, પુસ્તકો અને ઓનલાઇન સામાનની ડિલિવરી માટે આવા બ્રાઉન બોક્સ સૌથી વધુ ભરોસાપાત્ર મનાય છે.

પર્યાવરણ અનુકૂળ અને રિસાઇકલિંગમાં સરળ

બ્રાઉન બોક્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પર્યાવરણને અનુકૂળ છે અને તેને સરળતાથી રિસાઇકલ કરી શકાય છે. વપરાયેલા જૂના પૂંઠામાંથી ફરીથી નવો કાગળ કે પેપર-બોર્ડ બનાવી શકાય છે. બ્લીચ કે કલર વગરના સાદા બ્રાઉન કાર્ડબોર્ડનું રિસાઇકલિંગ માળખું વિશ્વભરમાં ખૂબ મજબૂત છે. જોકે, ઘણી બ્રાન્ડ્સ પોતાના પ્રોમોશન માટે રંગીન બોક્સ પણ વાપરે છે, છતાં પણ સાદા પેકેજિંગ માટે નેચરલ ક્રાફ્ટ પેપર સૌથી સસ્તો, ઉપયોગી અને ટકાઉ વિકલ્પ સાબિત થતો હોવાથી વિશ્વભરમાં બ્રાઉન બોક્સનો જ દબદબો કાયમ છે.