Republic Day vs Independence Day Difference: આપણા દેશમાં ઉજવાતા બે સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પર્વ, 15 ઓગસ્ટ એટલે કે 'સ્વતંત્રતા દિવસ' અને 26 જાન્યુઆરી એટલે કે 'ગણતંત્ર દિવસ', ભારતની આઝાદી, સાર્વભૌમત્વ અને લોકશાહીના પ્રતીક છે. બંને દિવસો ભારત દેશની ઓળખ સાથે જોડાયેલા હોવા છતાં, તેમની પાછળનો ઐતિહાસિક સંદર્ભ, બંધારણીય મહત્વ અને ઉજવણીની શૈલી સંપૂર્ણપણે અલગ છે. સરળ ભાષામાં કહીએ તો, 15 ઓગસ્ટે દેશને 'આઝાદી' મળી અને 26 જાન્યુઆરીએ તે આઝાદ દેશને સુચારૂરૂપે ચલાવવા માટેનું 'બંધારણ' અમલમાં આવ્યું.
ઐતિહાસિક અને બંધારણીય મહત્વ વચ્ચેનો તફાવત
સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ): 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આશરે 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી હતી. આ દિવસ દેશના સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષ અને અતુટ બલિદાનને સમર્પિત છે.
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી): આઝાદીના આશરે 2.5 વર્ષ બાદ, 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું. આ સાથે જ ભારત એક સાર્વભૌમ 'ગણરાજ્ય' બન્યું, જ્યાં દેશના સર્વોચ્ચ વડા (રાષ્ટ્રપતિ) વંશપરંપરાગત નહીં પણ બંધારણીય પ્રક્રિયાથી ચૂંટાય છે.
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યા બાદ પણ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું અને શાસન 'ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ 1935' મુજબ ચાલતું હતું. 26 જાન્યુઆરીના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતે સંપૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કર્યું હતું.
ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવાની પદ્ધતિમાં તફાવત
બંને રાષ્ટ્રીય પર્વ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પ્રક્રિયામાં પણ ચોક્કસ આંતર હોય છે:
ધ્વજારોહણ (Flag Hoisting - 15 ઓગસ્ટ): આ દિવસે ધ્વજને દોરી વડે નીચેથી ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ફરકાવવામાં આવે છે. તે બ્રિટિશ શાસનનો અંત અને નવી આઝાદીના ઉદયનું પ્રતીક છે.
ધ્વજ ફરકાવવો (Flag Unfurling - 26 જાન્યુઆરી): આ દિવસે ધ્વજ પહેલેથી જ પોલ પર ઉપર બાંધેલો હોય છે, જેને દોરી ખોલીને માત્ર ફરકાવવામાં આવે છે. આ દર્શાવે છે કે દેશ પહેલેથી જ આઝાદ છે અને પોતાની બંધારણીય શક્તિનું ઉત્સવ મનાવી રહ્યો છે.
સમારોહનું સ્થળ, નેતૃત્વ અને કાર્યક્રમનું સ્વરૂપ
રાષ્ટ્રીય સ્તરના મુખ્ય સમારોહનું સંચાલન અને સ્વરૂપ પણ બંને દિવસે અલગ જોવા મળે છે:
| વિગત | સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) | ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) |
| મુખ્ય સ્થળ | દિલ્હીનો લાલ કિલ્લો | દિલ્હીનો કર્તવ્ય પથ (જૂનું નામ રાજપથ) |
| મુખ્ય નેતૃત્વ | દેશના વડાપ્રધાન | દેશના બંધારણીય વડા એટલે કે રાષ્ટ્રપતિ |
| કાર્યક્રમનું સ્વરૂપ | શહીદોને શ્રદ્ધાંજલિ અને વડાપ્રધાનનું દેશજોગ સંબોધન | સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વિવિધતા અને વિવિધ રાજ્યોની ઝાંખીઓનું પ્રદર્શન |
| વિશેષતા | દેશની સ્વતંત્રતાની યાદગીરી | વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાની પરંપરા |
