ભારત 1947માં આઝાદ થયું, તો ગોવા 1961માં કેમ? જાણો 14 વર્ષના વિલંબ અને 'ઓપરેશન વિજય'નો રોચક ઇતિહાસ

જ્યારે આખો દેશ 1947માં આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોવા ભારતનો ભાગ નહોતું. ગોવા 1947માં નહીં પરંતુ 14 વર્ષ બાદ 1961માં આઝાદ થયું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 27 Sep 2026 12:04 PM (IST)Updated: Sun, 27 Sep 2026 12:04 PM (IST)
how-goa-became-independent-in-1961-operation-vijay-history
ગોવા મુક્તિ દિવસ ૧૯૬૧

Goa Liberation Day 1961: ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસન (અંગ્રેજો) માંથી મુક્તિ મેળવી આઝાદીનો સૂર્યોદય જોયો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે જ્યારે આખો દેશ 1947માં આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોવા ભારતનો ભાગ નહોતું. ગોવા 1947માં નહીં પરંતુ 14 વર્ષ બાદ 1961માં આઝાદ થયું હતું.

1947માં ગોવા ભારત સાથે કેમ ન જોડાયું?

જ્યારે દેશના મોટાભાગના ભાગો પર બ્રિટિશરોનું રાજ હતું, ત્યારે ગોવા, દમણ અને દીવ પર અંગ્રેજોનું નહીં પરંતુ પોર્ટુગીઝોનું (પોર્ટુગલનું) શાસન હતું. પોર્ટુગલ સરકારે ગોવાને પોતાની ગૌણ વસાહત માનવાને બદલે તેને પોતાનો "ઓવરસીઝ પ્રોવિન્સ" ગણાવ્યો હતો. પોર્ટુગલનો એવો દાવો હતો કે ગોવા એ પોર્ટુગલનો જ એક અભિન્ન હિસ્સો છે. આ જ જીદ અને ખોટા દાવાઓને કારણે પોર્ટુગલે ગોવા પરથી પોતાનો અધિકાર છોડવાની અને તેને ભારતને સોંપવાની સીધી ના પાડી દીધી હતી.

ગોવાની પ્રજાનો વિગ્રોહ અને 'ગોવા મુક્તિ સંગ્રામ'

પોર્ટુગીઝોના અત્યાચારી શાસનથી ગોવાની સ્થાનિક પ્રજા વર્ષોથી કંટાળી ગઈ હતી અને તેનો સતત વિરોધ કરી રહી હતી. 18 જૂન 1946ના રોજ પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના મડગાંવ ખાતે નાગરિકોના હક માટે મોટો અવાજ ઉઠાવ્યો હતો. આ ઐતિહાસિક ઘટનાએ 'ગોવા મુક્તિ સંગ્રામ'માં નવા પ્રાણ પૂરેલા. તેથી જ આજે પણ 18 જૂનને 'ગોવા ક્રાંતિ દિવસ' તરીકે ગૌરવપૂર્વક ઉજવવામાં આવે છે.

શાંતિપૂર્ણ પ્રયાસો અને રાજદ્વારી સંબંધોનો અંત

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઈચ્છતા હતા કે આ મુદ્દાનો ઉકેલ યુદ્ધ વિના રાજદ્વારી રીતે આવે. ભારતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દબાણ લાવીને પોર્ટુગલને સમજાવવાના ઘણા શાંતિપૂર્ણ પ્રયાસો કર્યા. પરંતુ પોર્ટુગલ પોતાની હઠ પર અડગ રહ્યું, જેના પરિણામે અંતે 1953માં ભારતે પોર્ટુગલ સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા.

'ઓપરેશન વિજય' અને 1961ની આઝાદી

જ્યારે શાંતિના તમામ માર્ગો બંધ થઈ ગયા, ત્યારે ભારત સરકારે કડક લશ્કરી પગલું ભરવાનો નિર્ણય લીધો અને 'ઓપરેશન વિજય' લોન્ચ કર્યું. 18 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય લશ્કર, નૌકાદળ અને હવાઈદળ ત્રણેયે એકસાથે મેદાનમાં ઉતરીને પોર્ટુગીઝ ઠેકાણાઓ પર હુમલો કર્યો. માત્ર 36 કલાકની અંદર જ ભારતીય સેનાના પરાક્રમ સામે પોર્ટુગીઝ દળોએ ઘૂંટણિયે પડીને 19 ડિસેમ્બર 1961ના રોજ આત્મસમર્પણ કરી લીધું. આ રીતે ગોવા, દમણ અને દીવ સંપૂર્ણપણે પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા.

ગોવાનો પછીનો પ્રવાસ:

  • 1962: ગોવા, દમણ અને દીવને ભેગા કરીને એક 'કેન્દ્રશાસિત પ્રદેશ' બનાવવામાં આવ્યો.
  • 1967: જનમત સંગ્રહમાં ગોવાના લોકોએ મહારાષ્ટ્ર સાથે ભળી જવાને બદલે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખવાનો નિર્ણય કર્યો.
  • 30 મે 1987: ગોવા સત્તાવાર રીતે ભારતનું ૨૫મું પૂર્ણ રાજ્ય બન્યું.
  • દર વર્ષે 19 ડિસેમ્બરના દિવસને ગોવામાં 'ગોવા મુક્તિ દિવસ' તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.