Gujarati Surnames History: સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિનું નામ સાંભળીએ છીએ ત્યારે તેની અટક (Surname) પરથી તેના કુળ, વ્યવસાય કે વતનની ઓળખ થતી હોય છે. પરંતુ 'મચ્છર', 'માંકડ', 'ઘોડા', 'પોપટ' કે 'બકરી' જેવી અટકો સાંભળીએ ત્યારે આંખ સામે માણસને બદલે કોઈ જીવજંતુ કે પ્રાણી આવી જાય છે. તાજેતરમાં ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર બહાદુર ફ્લાયદુબઈ પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસ બાદ આ ‘મચ્છર’ અટક દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. તો ચાલો જાણીએ કે ગુજરાતી સમાજમાં, ખાસ કરીને કાઠિયાવાડ અને તળ ગુજરાતમાં, પ્રાણી-પક્ષી કે જંતુઓ પરથી આવી રસપ્રદ અટકો કેવી રીતે અસ્તિત્વમાં આવી.
ગુજરાતી અટકોનો ઇતિહાસ જાણો
ગુજરાતી અટકોના અભ્યાસ આધારિત પુસ્તક 'ગુજરાતી અટકોનો ઇતિહાસ' મુજબ પ્રાણીઓ કે જીવજંતુઓ પરથી પડેલી અટકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે અને તે તળ ગુજરાત કરતાં કાઠિયાવાડમાં વધુ જોવા મળે છે. આવી અટકોની ઉત્પત્તિ પાછળ કોઈ એક જ ચોક્કસ ઇતિહાસ હોવાને બદલે અનેક સામાજિક, ભૌગોલિક અને વ્યાવહારિક શક્યતાઓ જોડાયેલી છે. જૂના સમયમાં લોકોના મૂળ નામ અલગ હોવા છતાં તેમના દેખાવ, સ્વભાવ, અવાજ, રહેઠાણ કે પછી ગામ-મહોલ્લામાં પાડેલા રમૂજી ઉપનામો સમય જતાં પરિવારની કાયમી અટક બની જતા હતા.
1) ‘મચ્છર’ અને ‘માંકડ’ અટક પાછળની વાસ્તવિકતા
સાંભળવામાં બંને જીવજંતુ જેવા લાગતા શબ્દો એકબીજાથી સાવ અલગ સંજોગોમાં અસ્તિત્વમાં આવ્યા છે.
મચ્છર અટકનો ઇતિહાસ:
કાઠિયાવાડમાં જોવા મળતી આ અટક પાછળ બે મુખ્ય સંભાવનાઓ છે. 'ભગવદ્ગોમંડળ' કોશ અનુસાર 'મચ્છર'નો એક અર્થ 'ઝનૂન' કે 'જુસ્સો' પણ થાય છે. જોકે, વંશાવલીના સંદર્ભમાં માનવામાં આવે છે કે કોઈ પૂર્વજનો સ્વભાવ અતિશય 'મત્સર' (ઈર્ષ્યા, અદાવત કે રીસ) વાળો હોય તો તેમાંથી શબ્દ અપભ્રંશ થઈને 'મચ્છર' બન્યો હોય. બીજી સાદી શક્યતા એ છે કે જે પરિવાર વધુ મચ્છરોવાળા વિસ્તારમાં રહેતો હોય તે 'મચ્છરવાળા' તરીકે ઓળખાયો અને બાદમાં અટક બની ગઈ.
માંકડ અટકનો ઇતિહાસ:
'માંકડ' અટક કાઠિયાવાડના નાગર પરિવારમાં જોવા મળે છે. આ કુટુંબ પોતાની પરંપરાને 'માર્કંડેય ઋષિ' સાથે જોડે છે. માર્કંડેય ઋષિના વંશજમાંથી કાળક્રમે શબ્દ બદલાઈને 'માંકડ' થયો હોવાની બળવત્તર સંભાવના છે. જોકે, ઘરમાં માંકડ વધુ હોવા કે માંકડની જેમ ચોંટી રહેતા સ્વભાવ પરથી ઉપનામ પડ્યું હોવાનું અનુમાન પણ નકારી શકાતું નથી.
2) ‘ઘોડા’, ‘વાઘ’ અને ‘હાથી’: શક્તિશાળી નામ પાછળની લોકકથાઓ
સામાન્ય રીતે આ નામો બળવાન પ્રાણી દર્શાવે છે, પરંતુ અટકનો ઇતિહાસ જુદો છે.
ઘોડા અટકનો ઇતિહાસ:
કાઠિયાવાડના નાગર સમાજમાં જોવા મળતી આ અટક પાછળ 'વડાદ્રા' ગામ અથવા 'ઘોડાસર' નામના ગામ/તળાવનું સ્થાનિક સ્થળાંતર હોઈ શકે. લોકવાયકા એવી પણ છે કે જૂના જમાનામાં કાઠિયાવાડી નાગરો એટલા ભવ્ય અને કદાવર હતા કે ઘોડાસર તળાવના ઊંડા પાણીમાં ઘોડાની જેમ તરી જતા, જેથી તેમને 'ઘોડા' કહેવાયા.
વાઘ અટકનો ઇતિહાસ:
આ અટક પ્રાણી પરથી નહીં પરંતુ પૂર્વજ પરથી આવી છે. વડવા 'વાધેશ્વર મહેતા' પોતાના સમયના અત્યંત પ્રભાવશાળી અને પ્રતાપી પુરુષ હતા. તેમના રોફ અને પ્રભાવના કારણે લોકો તેમને 'વાઘ' કહેતા અને એ જ નામ આખા કુટુંબની ઓળખ બન્યું.
હાથી અટકનો ઇતિહાસ:
વિશાળ કાયા, હાથી જેવી મસ્ત ચાલ અથવા તો 'ઘોડા' અટક ધરાવતા પરિવાર સાથેના દરબારી સંબંધોમાંથી આ ઉપનામ મળ્યું હોવાનું માનવામાં આવે છે.
3) પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ પરથી અટકો
ચકલી અને તિતોડી અટકનો ઇતિહાસ:
નાનું મોઢું, ઝીણો અવાજ કે ચાર રસ્તા (ચકલો) પાસે રહેતા લોકોને 'ચકલાવાળા' પરથી 'ચકલી' કહેવાયા હોય તે શક્ય છે. 'તિતોડી' પણ વિશિષ્ટ દેખાવ કે અવાજ પરથી પડેલું ઉપનામ હોઈ શકે.
પોપટ અટકનો ઇતિહાસ:
પોપટ જેવું તીણું નાક, વધુ પડતી ગોખણપટ્ટી કરવાની ટેવ કે મીઠું બોલવાના સ્વભાવ પરથી હિંદુ તેમજ પારસી સમાજમાં આ અટક પડી છે.
બકરી અટકનો ઇતિહાસ:
અતિશય નિર્દોષ, રાંક કે શાંત સ્વભાવના વ્યક્તિને ગામના લોકો મશ્કરીમાં કે પ્રેમથી 'બકરી' કહેતા, જે પાછળથી પરિવારની અટક બની ગઈ.
કીડી અને મંકોડી અટકનો ઇતિહાસ:
અત્યંત નાનું કદ ધરાવતી વ્યક્તિને 'કીડી' અને ચટકો ભરવાના કે હેરાન કરવાના સ્વભાવવાળાને 'મંકોડી'નું ઉપનામ મળતું હતું.
શું આ અટકો પ્રાચીન ચિહ્નો માંથી આવી છે?
પ્રાચીન સમાજશાસ્ત્ર મુજબ ઘણી જનજાતિઓ પોતાની ઓળખ માટે પ્રાણીઓ કે પક્ષીઓના પ્રતીકો રાખતી હતી. પરંતુ 'કીડી', 'મચ્છર' કે 'મંકોડી' જેવા અતિ સૂક્ષ્મ જીવોને કોઈ કબીલો પોતાના મુખ્ય પ્રતીક તરીકે પસંદ કરે તેવી સંભાવના ખૂબ નહિવત્ છે. તેથી ગુજરાતી અટકોમાં મોટાભાગે ટોટેમ કરતાં પણ ગામની બોલચાલ, મશ્કરી, સ્થાનિક પરંપરા અને દેખાવ-સ્વભાવની ઉપમાઓ વધુ મહત્વનો ભાગ ભજવે છે.
ટૂંકમાં, ‘મચ્છર’ કે ‘માંકડ’ જેવી અટકો સાંભળીને હસવું સહેલું છે, પરંતુ તેની પાછળ આપણા જૂના ગુજરાતી લોકજીવનની જીવંત સ્મૃતિઓ, સંબંધો અને રસપ્રદ સામાજિક ઇતિહાસ છુપાયેલો છે.
