Elvish Yadav News: યુટ્યુબર એલ્વિશ યાદવના સાયબર સિટી સ્થિત ઘરની બહાર બાઇક પર આવેલા શખ્સોએ ધડાધડ ગોળીબાર કર્યો છે. બે ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના 17 ઓગસ્ટ 2025ના રોજ બની હતી.
કોઈ જાનહાનિ નહિ
મળતી માહિતી મુજબ ગુરુગ્રામના સેક્ટર-57 સ્થિત એલ્વિશ યાદવના ઘરની બહાર સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ત્રણ શખ્સોએ બાઇક પર આવીને આ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. ગોળીઓ ઘરના ભોંયરા અને પહેલા માળ પર લાગી હતી. ફાયરિંગ થયું તે સમયે એલવિશ યાદવ ઘર પર હાજર નહોતા. જોકે, પરિવારના અન્ય સભ્યો ઘરમાં જ હતા, પરંતુ કોઈને ઇજા થઈ હોવાના સમાચાર નથી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળ પરથી ફોરેન્સિક પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
આ ઘટનાને રાહુલ ફાઝિલપુરિયા કેસ સાથે જોડીને જોવામાં આવી રહી છે, કારણ કે એલ્વિશ યાદવ પણ હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયાના નજીકના છે. ઉલ્લેખનીય છે ક ગયા મહિને રાહુલ ફાઝિલપુરિયા પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
