US News: ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અમેરિકામાં ધરપકડ, FBI દ્વારા મોટી કાર્યવાહી

હિમાંશુ ભાઉ લાંબા સમયથી દિલ્હી અને હરિયાણા પોલીસની મોસ્ટ વોંટેડ યાદીમાં ટોપ પર હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 24 Oct 2026 07:36 AM (IST)Updated: Sat, 24 Oct 2026 07:36 AM (IST)
indian-gangster-himanshu-bhau-arrested-in-america-fbi-elvish-yadav-house-firing-case

US Crime News: ભારતમાં હત્યા, ખંડણી અને સંગઠિત ગુનાખોરીના અનેક કેસોમાં મોસ્ટ-વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હિમાંશુ ભાઉ લાંબા સમયથી દિલ્હી અને હરિયાણા પોલીસની મોસ્ટ વોંટેડ યાદીમાં ટોપ પર હતો. તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો તે કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

હિમાંશુ સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ હિમાંશુ ભાઉની કસ્ટડી મેળવવા અને તેને ભારત પ્રત્યાર્પણ કરાવવા માટે અમેરિકી અધિકારીઓ સાથે સતત સંપર્ક સાધી રહી છે. હિમાંશુ ભાઉ અને હરિયાણાથી લઈને દિલ્હી અને યુપી સુધી ફેલાયેલા તેના ગેંગના સાથીદારો સામે હત્યા, અપહરણ અને જબરદસ્તી ખંડણીના અનેક ગુના નોંધાયેલા છે.

યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પર થયેલા ફાયરિંગની જવાબદારી પણ હિમાંશુ ભાઉ ગેંગે જ લીધી હતી. પોલીસ તપાસ અનુસાર, હિમાંશુ ભાઉએ ભારત છોડવા માટે બોગસ દસ્તાવેજોના આધારે ફેક પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને તે પોર્ટુગલમાં છુપાઈને પોતાનું સિન્ડિકેટ ચલાવી રહ્યો હતો. તે દિલ્હીના કુખ્યાત નીરજ બવાના અને નવીન બાલી ગેંગ સાથે મળીને કામ કરે છે.

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધતા વર્ચસ્વને પડકારવા માટે હિમાંશુ ભાઉએ દિલ્હી-NCR અને હરિયાણામાં પોતાનું એક અલગ જ ખૌફનાક નેટવર્ક ઊભું કર્યું હતું. અમેરિકામાં FBI દ્વારા તેની ધરપકડ થતાં હવે ભારતીય એજન્સીઓ તેને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે.