Yeh Prem Mol Liya Trailer released : બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાણીતા ફિલ્મ નિર્દેશક સૂરજ આર. બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લગ્ન અને પારિવારિક સંબંધોની એક અલગ જ કહાની રજૂ કરે છે. ફિલ્મમાં આયુષ્માન એક એવા યુવકની ભૂમિકામાં છે, જે લગ્ન બાદ પત્નીના ઘરે રહેવાનો નિર્ણય લે છે. પરંતુ આ નિર્ણય માત્ર બે વ્યક્તિઓ જ નહીં, બે પરિવારોની જિંદગીમાં પણ મોટો બદલાવ લાવે છે.
'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર મુંબઈમાં લોન્ચ
સૂરજ આર. બડજાત્યાની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર 18 નવેમ્બર, 2026ના રોજ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ સહિત ફિલ્મની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં પ્રેમ, પરિવાર અને બદલાતા સંબંધોની વાતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે.
શું છે ફિલ્મની કહાની?
ફિલ્મની કહાની પ્રેમ મિશ્રા અને પૂર્વા સોલંકીની આસપાસ ફરે છે. પ્રેમ અને પૂર્વા એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. પરંતુ લગ્ન પછી ક્યાં રહેવું તે બંને માટે મોટો સવાલ બની જાય છે. પૂર્વા પોતાના પરિવારની પાંચ મહિલાઓની જવાબદારી સંભાળે છે. તે પોતાના પરિવારને છોડીને પતિના ઘરે જવા માગતી નથી. પૂર્વાની આ પરિસ્થિતિને સમજતા પ્રેમ એક એવો નિર્ણય લે છે, જે સામાન્ય લગ્ન પરંપરાથી તદ્દન અલગ છે.
ટ્રેલરમાં જોવા મળી પ્રેમ અને પૂર્વાની અનોખી કહાની
ટ્રેલરમાં આયુષ્માન ખુરાના પ્રેમ મિશ્રા અને શર્વરી વાઘ પૂર્વા સોલંકીના પાત્રમાં જોવા મળે છે. પ્રેમ લગ્ન પછી પત્નીના ઘરે રહેવા જવા તૈયાર થાય છે અને એટલું જ નહીં, પોતાના પરિવારને પણ સાથે લઈ જાય છે. આ રીતે એક જ ઘરમાં બંને પરિવાર રહેવા લાગે છે. બંને પરિવારો ઘરની આર્થિક જવાબદારી પણ 50-50 વહેંચવાનું નક્કી કરે છે. જોકે, સાથે રહેવાની શરૂઆતમાં દેખાતી ખુશીઓ ધીમે ધીમે મતભેદ અને નાની-મોટી તકરારમાં બદલાવા લાગે છે. ટ્રેલરમાં કોમેડી અને ઇમોશન્સની સાથે પતિ-પત્ની વચ્ચે સમાન જવાબદારીનો સંદેશ પણ જોવા મળે છે.
આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
'યે પ્રેમ મોલ લિયા' 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સૂરજ આર. બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે. લગ્ન પછી પતિ પત્નીના ઘરે રહેવા જાય તો શું પરિસ્થિતિ સર્જાય અને બે પરિવારો એકસાથે કેવી રીતે રહે છે, તે ફિલ્મમાં રસપ્રદ રીતે જોવા મળશે. હવે ટ્રેલર સામે આવ્યા બાદ દર્શકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
