કોણ છે 19 વર્ષની કાઝિયા લિઝ મેજો? મિસ યુનિવર્સ 2026માં ભારતનું કરશે પ્રતિનિધિત્વ, 3150 હીરાજડિત તાજ પર નજર

કોણ છે 19 વર્ષની કાઝિયા લિઝ મેજો? મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો ખિતાબ જીત્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર કરશે ભારતનું પ્રતિનિધિત્વ. જાણો તેમની શિક્ષણ, પ્રતિભા અને સ્પર્ધા સાથે જોડાયેલી ખાસ વાતો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 14 Nov 2026 10:27 AM (IST)Updated: Sat, 14 Nov 2026 10:27 AM (IST)
who-is-kazhia-liz-mejo-miss-universe-india-2026

Who is Kazhia Liz Mejo: મિસ યુનિવર્સ 2026ની સ્પર્ધા આ વખતે અનેક કારણોસર ચર્ચામાં છે. એક તરફ ભારતની 19 વર્ષીય કાઝિયા લિઝ મેજો આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે, તો બીજી તરફ સ્પર્ધા શરૂ થતાં પહેલાં જ 15 દેશોએ પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં છે. કેરળની રહેવાસી કાઝિયા પોતાની સુંદરતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાને કારણે ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ વર્ષે મિસ યુનિવર્સની 75મી આવૃત્તિ હોવાથી વિજેતાને 3150 હીરાથી જડિત ખાસ તાજ પહેરવાની તક મળશે.

કોણ છે ભારતની કાઝિયા લિઝ મેજો?

કેરળના માવેલિક્કારાની રહેવાસી કાઝિયા લિઝ મેજોએ 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં 52 સ્પર્ધકોને પાછળ છોડીને વિજેતાનો તાજ પોતાના નામે કર્યો હતો. માત્ર 19 વર્ષની ઉંમરે આ સફળતા મેળવનારી કાઝિયા કાયદાનો અભ્યાસ કરી રહી છે અને મોડલિંગમાં પણ સક્રિય છે. તેનો ઉછેર અબુ ધાબીમાં થયો છે. તેને ક્લાસિકલ ડાન્સનો શોખ છે અને તે છેલ્લા 12 વર્ષથી તેની તાલીમ લઈ રહી છે. આ ઉપરાંત તેને ગાયન, ડ્રમ્સ અને વાયોલિન વગાડવામાં પણ રસ છે. કાઝિયા અગાઉ મિસ ટીન દિવા 2024 અને મિસ ટીન ઇન્ટરનેશનલ 2025માં ફર્સ્ટ રનર-અપ રહી ચૂકી છે. હવે તેની નજર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને વિજેતા બનાવવાની છે.

પાકિસ્તાનની મિસ્બાહ અરશદ સાથે થશે ટક્કર

મિસ યુનિવર્સ 2026માં ભારત તરફથી કાઝિયા લિઝ મેજો જ્યારે પાકિસ્તાન તરફથી લાહોરની મિસ્બાહ અરશદ ભાગ લઈ રહી છે. બંને દેશોની સુંદરિઓની હાજરીને કારણે સ્પર્ધા વધુ ચર્ચામાં આવી છે. આ વખતે સ્પર્ધાના આયોજનને લઈને પણ વિવાદ સર્જાયો છે. અહેવાલો અનુસાર, ફ્રેન્ચાઇઝી અને કોર્પોરેટ સ્તરે ચાલી રહેલા વિવાદોને કારણે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, લાઓસ, સિંગાપોર અને મલેશિયા સહિતના છ એશિયાઈ દેશો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત વીઝા સંબંધિત મુશ્કેલીઓ અને અંગત કારણોસર પણ કેટલીક સ્પર્ધકોએ પોતાનાં નામ પાછાં ખેંચ્યાં છે. આમ, ફિનાલે પહેલાં જ 15 દેશોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

3150 હીરાથી ચમકશે મિસ યુનિવર્સનો નવો તાજ

મિસ યુનિવર્સની 75મી વર્ષગાંઠને ખાસ બનાવવા માટે આ વર્ષે નવો તાજ રજૂ કરવામાં આવ્યો છે. 'ધ રેડિયન્સ ઓફ એન ઇટર્નલ લેગસી' નામના આ તાજમાં કુલ 3150 હીરા જડવામાં આવ્યા છે. જાણીતા ડિઝાઇનર જ્યોર્જ વિટલ્સે મેસન ડી'ઓરના સહયોગથી આ ખાસ ક્રાઉન તૈયાર કર્યો છે. તાજમાં રહેલા ત્રણ મુખ્ય હીરા મિસ યુનિવર્સના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતીક છે. આ વર્ષની સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે 24 નવેમ્બરના રોજ પ્યુઅર્ટો રિકોના સેન જુઆનમાં આવેલા જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમમાં યોજાવાનો છે. હવે જોવાનું એ રહેશે કે કાઝિયા આ ભવ્ય સ્પર્ધામાં ભારત માટે કયો ઇતિહાસ રચે છે.