ગુજ્જુ લવ ગુરુના બેસણામાં પહોંચ્યા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર: પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના, કહ્યું- 'તે અદ્ભુત કલાકાર હતો'

બેસણામાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે (Vikram Thakor) વિશેષ હાજરી આપી હતી. વિક્રમ ઠાકોરે સ્વ. ચંદન રાઠોડની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ કઠિન સમયે તેમના પરિવારજનોને મળીને આંતરિક સાંત્વના આપી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 09:19 AM (IST)Updated: Tue, 22 Sep 2026 09:19 AM (IST)
vikram-thakor-attends-gujju-love-guru-chandan-rathod-besnu-suigam
વિક્રમ ઠાકોર

Vikram Thakor Gujju Love Guru: ઉત્તર ગુજરાતના સુઈગામના જાણીતા ડિજિટલ ક્રિએટર અને 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) ના નામે લોકપ્રિય બનેલા ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ સમગ્ર ઉત્તર ગુજરાત અને સોશિયલ મીડિયા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તાજેતરમાં યોજાયેલા તેમના બેસણામાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે (Vikram Thakor) વિશેષ હાજરી આપી હતી. વિક્રમ ઠાકોરે સ્વ. ચંદન રાઠોડની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ કઠિન સમયે તેમના પરિવારજનોને મળીને આંતરિક સાંત્વના આપી હતી.

'અમે એક-દોઢ મહિનો સાથે રહ્યા હતા, તેઓ ખૂબ જ સરળ અને શરમાળ હતા'

બેસણા પ્રસંગે ઉપસ્થિત રહેલા વિક્રમ ઠાકોરે ચંદન રાઠોડ સાથેની જૂની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, "અમારી વચ્ચે ખૂબ જ ગાઢ અને સુંદર મિત્રતા હતી. ભલે અમે રૂબરૂ ઓછું મળ્યા હોઈએ, પરંતુ મારી ફિલ્મ 'અધૂરી વાર્તાનો છેલ્લો પાનો' ના શૂટિંગ દરમિયાન અમે લગભગ એકથી દોઢ મહિનો સાથે વિતાવ્યો હતો. વીડિયોમાં તેઓ જે પ્રકારે દેશી કોમેડી અને મસ્તી કરતા દેખાતા, રિયલમાં તેમનાથી સાવ અલગ હતા. વાસ્તવિક જીવનમાં તમે તેમની જોડે બેસો કે વાત કરો તો ખબર પડે કે તેઓ કેટલા શરમાળ, ડાહ્યા અને સરળ સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા હતા."

નિયમિત વીડિયો મોકલીને લેતા હતા અભિપ્રાય

વિક્રમ ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, ચંદન રાઠોડ પોતાના નવા વિડીયો બનાવીને હંમેશા તેમને મોકલતા હતા અને રિવ્યુ લેતા હતા. તેઓ કહેતા કે, 'તમે મોટા એક્ટર છો, અમે તમને જોઈને શીખીએ છીએ.' વિક્રમ ઠાકોરે કહ્યું કે, "હું તેમને હંમેશા પ્રોત્સાહિત કરતો કે તમે ખૂબ સારું કામ કરો છો. તેઓ એક બહમુખી પ્રતિભા ધરાવતા બહુ સારા આર્ટિસ્ટ હતા."

સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની કાલિમા

સુઈગામ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌને પોતાની રમુજી શૈલીથી હસાવનાર કલાકારના જવાથી તેમના પરિવારજનો, પરિચિતો અને લાખો ચાહકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. ચંદન રાઠોડ માત્ર કન્ટેન્ટ ક્રિએશન પૂરતા મર્યાદિત ન રહેતા પોતાની સામાજિક પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા હતા. તેમના જવાથી ગુજરાતી સોશિયલ મીડિયા અને મનોરંજન ક્ષેત્રને ક્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે.