Mata Sita Warrior Form: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રામાયણ' (Ramayana) ફરી એકવાર દર્શકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મે માત્ર કથાનકને જ નહીં, પરંતુ હિન્દુ મહાકાવ્યોના કેટલાક વણસાંભળ્યા અને રોચક પાસાઓને પણ લાઈમલાઇટમાં લાવી દીધા છે. ફિલ્મમાં સૌથી મોટું આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યું છે—માતા સીતાનું અદ્ભુત યોદ્ધા સ્વરૂપ, જેમાં તેઓ રણભૂમિમાં ઉતરીને અસુર સેનાનો સંહાર કરતા નજરે પડે છે.
સદીઓથી આપણે માતા સીતાને ત્યાગ, ધૈર્ય, કરુણા, મમતા અને પવિત્રતા, ધર્મની મૂર્ત સ્વરૂપ તરીકે જોતા અને પૂજતા આવ્યા છીએ. આવા સંદર્ભમાં, ફિલ્મમાં તેમના આ ઉગ્ર અને યોદ્ધા વાળા સ્વરૂપને જોઈને દરેક વ્યક્તિના મનમાં આ પ્રશ્ન જરૂર થાય છે કે—શું ખરેખર માતા સીતા ક્યારેય યુદ્ધ ભૂમિમાં ઉતર્યા હતા? શું શાંત અને સૌમ્ય છબીવાળા માતા સીતાએ ક્યારેય શસ્ત્ર ઉઠાવ્યા હતા?
આવો, વાલ્મીકી રામાયણથી લઈને 'અદ્ભુત રામાયણ'ના પાનાઓને ફંફોસીને આ પ્રસંગનું સંપૂર્ણ સત્ય જાણીએ.
વાલ્મીકી રામાયણ વિરુદ્ધ અદ્ભુત રામાયણ: શું છે તફાવત?
જ્યારે આપણે મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત મુખ્ય 'વાલ્મીકી રામાયણ'નો અભ્યાસ કરીએ છીએ, ત્યારે તેમાં માતા સીતાના રણભૂમિમાં ઉતરવા કે હથિયાર ઉઠાવવાના કોઈ પ્રત્યક્ષ પુરાવા કે ઉલ્લેખ મળતા નથી. વાલ્મીકી રામાયણમાં તેમને એક આદર્શ ગૃહણી, ધર્મપરાયણ અને મર્યાદા પુરુષોત્તમ રામની સહધર્મિણી તરીકે જ ચિત્રિત કરવામાં આવ્યા છે.
પરંતુ, જ્યારે આપણેૌરાણિક ગ્રંથ 'અદ્ભુત રામાયણ' (જે શાક્ત પરંપરાનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે) તરફ નજર કરીએ છીએ, ત્યારે તેમાં માતા સીતાનું એક બિલકુલ અલગ, શક્તિશાળી અને વિરાટ રૂપ જોવા મળે છે. આ ગ્રંથ અનુસાર, માતા સીતા માત્ર શ્રી રામની અર્ધાંગિની જ નહીં, પરંતુ દુષ્ટો અને અધર્મીઓનો નાશ કરનાર સાક્ષાત્ 'આદિશક્તિ મહાકાળી'નું જ સ્વરૂપ હતાં.
રાવણ વધ પછી શું થયું હતું? મહર્ષિ અગસ્ત્યનો પ્રસંગ
અદ્ભુત રામાયણમાં વર્ણિત એક અત્યંત રોચક અને ઓછા ચર્ચિત પ્રસંગ અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કરી દીધો અને અયોધ્યાના સિંહાસન પર વિરાજમાન થઈને શાંતિ સ્થાપિત કરી, ત્યારે મહર્ષિ અગસ્ત્યનું અયોધ્યામાં આગમન થયું.
ભગવાન રામે મહર્ષિનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને કહ્યું કે હવે આ સંસાર દસ માથાવાળા રાવણના આતંકથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યો છે અને ચારેય તરફ શાંતિ છે. પરંતુ, મહર્ષિ અગસ્ત્ય આ વાતથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતા દેખાતા. તેમણે શ્રી રામને ચેતવતા એક ચોંકાવનારો સત્ય જણાવ્યું.
મહર્ષિએ કહ્યું કે- હે રામ! તમે જે રાવણનો વધ કર્યો છે, તે કોઈ બહુ મોટો અસાધારણ યોદ્ધા નહોતો. તે તો માત્ર એક સામાન્ય રાક્ષસ હતો. અસલી અને સૌથી મોટું સંકટ હજુ ટળ્યું નથી.

રાવણ કરતાં પણ હજાર ગણો શક્તિશાળી: 'સહસ્ર રાવણ'
મહર્ષિ અગસ્ત્યએ ભગવાન રામને એક એવા મહાબલી રાક્ષસ વિશે જણાવ્યું જેનું નામ 'સહસ્ર રાવણ' (સહસ્રશીર્ષ રાવણ) હતું. આ રાક્ષસ દક્ષિણ સમુદ્રથી પણ આગળ ક્ષીરસાગરમાં સ્થિત પુષ્કર દ્વીપમાં નિવાસ કરતો હતો.
વિશેષતાઓ: તેના એક હજાર માથા (Heads) અને બે હજાર ભુજાઓ (હાથ) હતા.
શક્તિ: તે લંકાપતિ દસ-માથા વાળા રાવણ કરતા ક્યાંય વધુ શક્તિશાળી, માયાવી અને ક્રૂર હતો.
મહર્ષિ અગસ્ત્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી સહસ્ર રાવણજીવિત છે, ત્યાં સુધી તમારી વિજય અધૂરી છે. આ સાંભળીને ભગવાન રામે તરત જ તે મહાબલી રાક્ષસનો અંત લાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો.
જ્યારે ભગવાન રામ પણ મૂર્છિત થઈ ગયા
શ્રી રામ પોતાના અનુજ લક્ષ્મણ, હનુમાનજી, સુગ્રીવ, વિભીષણ અને વિશાળ વાનર સેના સાથે સહસ્ર રાવણનો વઘ કરવા માટે પુષ્કર દ્વીપ તરફ પ્રયાણ કરે છે.
જ્યારે યુદ્ધનું મેદાન સજે છે અને સહસ્ર રાવણ સામે આવે છે, ત્યારે તેનું ભયાનક રૂપ જોઈને શ્રી રામ પણ ચોંકી જાય છે. યુદ્ધની શરૂઆતમાં, ભગવાન રામ પોતાના પ્રસિદ્ધ કોદંડ ધનુષ પર બાણ ચઢાવે છે અને મહાશક્તિશાળી 'બ્રહ્માસ્ત્ર'નું આહ્વાન કરીને તેને સહસ્ર રાવણ તરફ છોડે છે.
બ્રહ્માસ્ત્ર આકાશને ચીરતું તીવ્ર ગતિથી આગળ વધે છે, પરંતુ તે રાક્ષસ પર તેની કોઈ અસર થતી નથી. સહસ્ર રાવણ કોઈ પણ ડર વગર પોતાના હજારો મુખોમાંથી એક મુખ ખોલે છે અને તે દિવ્ય બ્રહ્માસ્ત્રને સીધું ગળી જાય છે!
આ પછી, તે પોતાની માયાવી શક્તિઓથી આખી વાનર સેના અને સ્વયં ભગવાન શ્રી રામને પણ પરાસ્ત(હરાવી) કરે છે અને શ્રી રામ યુદ્ધ ભૂમિમાં મૂર્છિત થઈને પડી જાય છે. અયોધ્યાની સેનામાં હાહાકાર મચી જાય છે.
માતા સીતાએ ધારણ કર્યું મહાકાળીનું વિકરાળ રૂપ
જ્યારે ભગવાન રામને અચેત અવસ્થામાં જોઈને સહસ્ર રાવણે એક ભયંકર અને અંતિમ પ્રહાર કરવા માટે આગળ પગલું ભર્યું, ત્યારે સંકટની તે ઘડીમાં માતા સીતાએ પોતાના કોમળ અને શાંત સ્વભાવને ત્યાગીને મહાકાળીનું વિકરાળ અને રૌદ્ર રૂપ ધારણ કરી લીધું.
'અદ્ભુત રામાયણ'માં આ પ્રસંગનું અત્યંત સજીવ અને વિસ્તૃત વર્ણન મળે છે-
વિરાટ સ્વરૂપ: શ્રી રામની રક્ષા માટે માતા સીતાનું કદ ઝડપથી વધવા લાગ્યું અને તેઓ અત્યંત વિશાળકાય થઈ ગયા.
અસ્ત્ર-શસ્ત્ર: તેમની ભુજાઓની સંખ્યા ઘણી વધી ગઈ અને તેમના હાથે અનેક પ્રકારના દિવ્ય અને ભયાનક અસ્ત્ર-શસ્ત્રો પ્રગટ થઈ ગયા.
ક્રોધ અને રૂપ: તેમની આંખો ક્રોધથી લાલ અંગારા જેવી થઈ ગઈ અને મુખમાંથી મહાકાળીની જેમ જીભ બહાર આવી ગઈ.
માતા સીતાના આ પ્રચંડ યોદ્ધા રૂપને જોઈને તે મહાબલી સહસ્ર રાવણ પણ ધ્રૂજી ઉઠ્યો અને ભયભીત થઈ ગયો. માતા સીતાએ મહાકાળીના રૂપમાં તેના પર તીવ્ર આક્રમણ કર્યું.
કોઈપણ વિલંબ વગર, માતા સીતાએ પોતાના અસ્ત્રોથી સહસ્ર રાવણના એક-એક માથાને તેના ધડથી અલગ કરવાનું શરૂ કરી દીધું. જોતજોતામાં તેના હજારો કાપેલા માથા જમીન પર પડવા લાગ્યા. આ ભીષણ યુદ્ધના અંતમાં, માતા સીતાએ તે તમામ કપાયેલા માથાની એક મુણ્ડમાળા બનાવી અને તેને પોતાના ગળામાં ધારણ કરી લીધી.
ફિલ્મી પરદા પર માતા સીતાના આ યોદ્ધા રૂપને જોઈને આજની પેઢી ભલે આશ્ચર્ય પામી રહી હોય, પરંતુ આપણા સનાતન શાસ્ત્રો અને વિશેષ કરીને 'અદ્ભુત રામાયણ'માં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જરૂરિયાત ઊભી થવા પર નારી શક્તિ (આદિશક્તિ)એ હંમેશા દુષ્ટોનો વિનાશ કરવા માટે શસ્ત્ર અને રૌદ્ર રૂપ બંને ધારણ કર્યા છે. વાલ્મીકી રામાયણ જ્યાં તેમના આદર્શ માનવીય સ્વરૂપને દર્શાવે છે, ત્યારે અદ્ભુત રામાયણ તેમના ભીતર છુપાયેલી તે પરાશક્તિનું દર્શન કરાવે છે જે સૃષ્ટિની રક્ષા માટે કોઈપણ રૂપમાં ઢળી શકે છે.
Disclaimer: આ લેખમાં જણાવેલ ઉપાયો, લાભો, સલાહ અને કથનો માત્ર સામાન્ય જાણકારીના હેતુ માટે છે. ગુજરાતી જાગરણ આ લેખમાં પ્રસ્તુત સામગ્રીનું સમર્થન કરતું નથી. અહીં આપેલી માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, પ્રવચનો, પરંપરાગત માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને લોકકથાઓ સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ લેખની સામગ્રીને સંપૂર્ણ સત્ય કે નિશ્ચિત દાવા તરીકે ન સ્વીકારે અને પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. ગુજરાતી જાગરણ અંધશ્રદ્ધાની વિરુદ્ધ છે.
