મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ Jai Mata ji - lets Rockનું ટ્રેલર લોન્ચ, 80 વર્ષના દાદીનો અનોખો અવતાર દર્શકોને પેટ પકડીને હસાવશે

આ ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 20 Apr 2025 01:01 PM (IST)Updated: Sun, 20 Apr 2025 01:01 PM (IST)
trailer-of-malhar-thakars-upcoming-film-jai-mataji-lets-rock-launched-the-unique-avatar-of-the-80-year-old-grandmother-will-make-the-audience-laugh-out-loud

Jai Mataji Let’s Rock Movie: અપકમિંગ ફિલ્મ જય માતાજી લેટસ રોકનું આજે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 9 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું.

ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે. આ મજેદાર કોમેડી- ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર્સ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જેએચ શાહ નિર્મિત તથા અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે.

આ ઉપરાંત, આ ફિલ્મના એસોશિએટ પ્રોડ્યુસર અનિરુદ્ધ સિંહ રહેવાર છે. ઉત્કર્ષ મઝુમદાર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે. આ ફિલ્મનું મ્યુઝિક નાઈટ સોન્ગ રેકોર્ડ્સ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મના ગીતોના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખાયા છે.

ટ્રેલર જોતાં ખ્યાલ આવે છે કે, આ ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર છે , જેમનું શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે. દાદી હવે જીવન પોતાના ધોરણે જીવવા નક્કી કરે છે, અને એ સાથે શરૂ થાય છે મજા, મસ્તી અને પરિવારિક ઉતાર-ચઢાવથી ભરપૂર સફર. ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્ત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે.

ડિરેક્ટર મનીષ સૈની જણાવે છે કે, આ ફિલ્મમાં અમે પરિવારીક સબંધો અને સમાજની ગૂંચવણોને મસ્તીમાં વણાયેલી અદ્ભૂત શૈલી સાથે રજૂ કરી છે. એક 80 વર્ષની દાદી, પણ એ સામાન્ય દાદી નથી! તે જિંદગી પોતાની શરતો પર જીવવા તૈયાર છે. ફિલ્મની કાસ્ટ સહિત સમગ્ર ટીમ એ અદભુત કામ કર્યું છે. અમારી આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શકો માટે આ એક અનોખું મનોરંજન બનશે, જે હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે.

ફિલ્મનું ટ્રેલર આપણને હસાવે છે, પણ એ પાછળ છૂપાયેલ સંદેશ આપણા હ્રદયને સ્પર્શે છે. જય માતાજી લેટસ રોક એ હાસ્યથી શરૂ થતી, લાગણીઓ સુધી પહોંચતી એક ફિલ્મ છે – જે દરેક પેઢીને કંઈક કહે છે. ગુજરાતી સિનેમામાં પારિવારિક હાસ્ય અને અર્થસભર સંદેશ લઈને આવી રહેલી ફિલ્મ 'જય માતાજી લેટસ રોક' – 9 મે, 2025થી તમારા નજીકના સિનેમાઘરોમાં.