Toxic first day collection: સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ 'ટોક્સિક: એ ફેયરીટેલ ફોર ગ્રોન-અપ્સ' 26 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ દ્વારા યશે પોતાની કલ્ટ-ક્લાસિક ફિલ્મ 'KGF Chapter 2' ના રિલીઝ થયાના 4 વર્ષ લાંબા સમય બાદ મોટા પડદા પર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. પ્રખ્યાત ડિરેક્ટર ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેના ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો છે અને રેકોર્ડબ્રેક કમાણી કરીને નવો ઇતિહાસ રચી દીધો છે.
પહેલા જ દિવસે 150 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન
બોક્સ ઓફિસના અહેવાલો મુજબ, ‘ટોક્સિક’એ પ્રથમ દિવસે ભારતમાં જ 24,579 શોઝમાંથી અંદાજે 101.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે ગ્રોસ કમાણી 120.75 કરોડ રૂપિયા સુધી પહોંચી હોવાનું કહેવાય છે. વિદેશી બજારમાં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ત્યાંથી લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ રીતે ફિલ્મની કુલ વર્લ્ડવાઇડ ઓપનિંગ ડે કમાણી 150 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સિદ્ધિ સાથે ‘ટોક્સિક’ વર્ષ 2026ની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
રણવીર સિંહની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો
‘ટોક્સિક’એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સિનેમામાં પણ નવો ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે રણવીર સિંહની ‘ધુરંધર 2’ના પહેલા દિવસના 145 કરોડ રૂપિયાના વર્લ્ડવાઇડ કલેક્શનનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. સાથે જ આ ફિલ્મ યશના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે.
હિન્દી વર્ઝનમાંથી સૌથી વધુ કમાણી
જોકે ‘ટોક્સિક’ મૂળ કન્નડ ભાષામાં બનાવવામાં આવી છે, તેમ છતાં હિન્દી ડબિંગ વર્ઝનને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાળમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી છે.
ભાષાવાર ઓપનિંગ ડે કલેક્શન
- હિન્દી: 55 કરોડ રૂપિયા
- કન્નડ: 23.30 કરોડ રૂપિયા
- તેલુગુ: 16 કરોડ રૂપિયા
- તમિલ: 5.50 કરોડ રૂપિયા
- મલયાળમ: 1.30 કરોડ રૂપિયા
આ આંકડાઓ દર્શાવે છે કે યશની લોકપ્રિયતા હવે માત્ર સાઉથ સુધી મર્યાદિત નથી રહી પરંતુ સમગ્ર દેશમાં મજબૂત બની ગઈ છે.
500 કરોડના બજેટ સાથે બની ફિલ્મ
‘ટોક્સિક’ આશરે 500 કરોડ રૂપિયાના વિશાળ બજેટમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન જાણીતા ફિલ્મમેકર ગીતુ મોહનદાસે કર્યું છે. ફિલ્મમાં યશ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે, જે દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ મજબૂત છે. તેમાં:
- યશ
- કિયારા અડવાણી
- નયનતારા
- હુમા કુરેશી
- તારા સુતરિયા
- રુકમિણી વસંત
મહત્વની ભૂમિકાઓમાં જોવા મળે છે. કિયારા અડવાણી ફિલ્મમાં ‘નાદિયા’ નામની સર્કસ આર્ટિસ્ટની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે નયનતારા યશની બહેન ‘ગંગા’ના શક્તિશાળી પાત્રમાં જોવા મળે છે.
ક્રિટિક્સ તફરથી મળ્યો મિશ્ર પ્રતિસાદ
જ્યાં એક તરફ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યાં બીજી તરફ ફિલ્મ વિવેચકો તરફથી તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક સમીક્ષકોના મતે ફિલ્મમાં યશનો સ્વેગ, એક્શન અને સ્ક્રીન પ્રેઝન્સ જબરદસ્ત છે, પરંતુ વાર્તા અને સ્ક્રીનપ્લે કેટલાક સ્થળે નબળા પડે છે. ફિલ્મમાં ભારે એક્શન અને હિંસક દૃશ્યો હોવાથી સેન્સર બોર્ડે તેને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે.
આગામી દિવસોમાં તૂટશે વધુ રેકોર્ડ?
એડવાન્સ બુકિંગના મજબૂત આંકડા અને દર્શકોના ઉત્સાહને જોતા ફિલ્મ આગામી દિવસોમાં વધુ મોટા રેકોર્ડ તોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવો જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ‘ટોક્સિક’ ટૂંક સમયમાં 500 કરોડ ક્લબ તરફ ઝડપથી આગળ વધી શકે છે.
