Tom and Cherry Release Date: ફેમિલી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે

ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 26 Aug 2026 09:14 AM (IST)Updated: Wed, 26 Aug 2026 09:14 AM (IST)
tom-and-cherry-gujarati-movie-release-date-28-august-2026
ટોમ એન્ડ ચેરી

Tom and Cherry Release Date: ગુજરાતી સિનેમાના દર્શકો માટે નવી અને મનોરંજક ફિલ્મની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. ઝી સ્ટુડિયોઝના જોડાણ સાથે બની રહેલી બહુપ્રતિક્ષિત ગુજરાતી ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ આગામી 28 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક ધર્મેશ મહેતાએ કર્યું છે. ફિલ્મની વાર્તામાં કૌટુંબિક જીવન, સંબંધોની લાગણી, પ્રેમ, હાસ્ય અને અનેક અણધાર્યા વળાંકોને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ‘ટોમ એન્ડ ચેરી’ તમામ ઉંમરના દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં કોમેડી અને ઈમોશનનું સંતુલિત મિશ્રણ જોવા મળશે. ખાસ કરીને પરિવાર સાથે થિયેટરમાં બેસીને માણી શકાય તેવી આ ફિલ્મ તહેવારોની મોસમમાં દર્શકો માટે મનોરંજનનો સારો વિકલ્પ બની શકે છે.

ફિલ્મનું નિર્માણ ધીયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા ધીયા ફિલ્મવર્ક્સ તથા એચ.જી. પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. હરેશ પટેલ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. જ્યારે ફિલ્મનું લેખન વિનોદ સરવૈયા અને હુમાયૂન મકરાણીએ કર્યું છે. ફિલ્મને ઝી સ્ટુડિયોઝ દ્વારા મોટા પાયે રજૂ કરવામાં આવશે.

મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ ફિલ્મ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘ટોમ એન્ડ ચેરી’ કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ, સંબંધો અને સાથે હોવાના આનંદની ઉજવણી કરતી ફિલ્મ છે. ટ્રેલરને મળેલા પ્રતિસાદથી તેમનો ઉત્સાહ વધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે આ ફિલ્મ ગુજરાતી સિનેમાને મોટા પડદા પર નવું અને ભવ્ય પ્લેટફોર્મ આપશે.

ઝી સ્ટુડિયોઝે ગુજરાતી સિનેમાની સમૃદ્ધ વાર્તાકથન પરંપરા અને વધતા દર્શકવર્ગને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. પ્રાદેશિક સિનેમાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે ‘ટોમ એન્ડ ચેરી’ને મહત્વપૂર્ણ ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે.

‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટ, 2026થી વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરશે.