Tiger Shroff Firing: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફને લઈને એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્ક પાસે તેમના વાહન પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. સદભાગ્યે, આ ભીષણ હુમલામાં ટાઈગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. જોકે, આ ઘટનાથી સમગ્ર ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
કેવી રીતે બની ઘટના?
અહેવાલો અનુસાર, બાઇક પર સવાર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ અચાનક ટાઈગર શ્રોફની કારને નિશાન બનાવીને અંદાજે ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારની ઘટનામાં અભિનેતાનો ડ્રાઈવર અને એક રિક્ષાચાલક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ, જે સ્થળે આ ઘટના બની ત્યાં નજીકમાં જ એક બર્થડે પાર્ટી ચાલી રહી હતી જેમાં નાના બાળકો અને અનેક નાગરિકો હાજર હતા. ગોળીબારના અવાજથી આખા વિસ્તારમાં ભારે નાસભાગ અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.
મુંબઈ પોલીસની સત્તાવાર પુષ્ટિ અને તપાસ
મુંબઈ પોલીસે આ ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે જુહુ પોલીસ સ્ટેશનના અંકુશ હેઠળના વિસ્તારમાં આ હુમલો થયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટાઈગર શ્રોફ હેમખેમ છે અને તેમને કોઈ ગોળી વાગી નથી. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે ગુનેગારોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી
સૌથી મોટો ખુલાસો એ છે કે આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ ગેંગના વતી ગેંગસ્ટર અનિલ પંડિતની એક પોસ્ટ સામે આવી છે, જેમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ જ ગેંગ દ્વારા બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓને નિશાન બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે ટાઈગર શ્રોફ પર થયેલા આ હુમલાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધુ વધારી દીધી છે.

રોહિત શેટ્ટીનું ઘર 400 મીટર દૂર
નોંધનીય છે કે, ટાઈગર શ્રોફ પર જ્યાં ગોળીબાર થયો હતો, તે સ્થળથી રોહિત શેટ્ટીનું નિવાસસ્થાન નજીક જ આવેલું છે. તેમનું ઘર આશરે 300-400૦ મીટર દૂર છે—એવું સ્થળ જ્યાં અગાઉ પણ ગોળીબારની ઘટના બની ચૂકી છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે અને રસ્તો બંધ કરી દીધો છે. પુષ્પા પાર્ક જુહુ પોલીસ સ્ટેશનની નજીક આવેલું છે.
