'ઈન્ડસ્ટ્રીમાં એક જ ટાઈગર છે...', શા માટે થયું ટાઈગર શ્રોફ પર ફાયરિંગ? શૂટરે કર્યો મોટો ખુલાસો

એક ફિલ્મના પ્રમોશન દરમિયાન ટાઈગર શ્રોફે સલમાન ખાનની પ્રશંસા કરી હતી, જેના કારણે આ હુમલો થયાનું શૂટરે જણાવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 24 Oct 2026 11:48 AM (IST)Updated: Sat, 24 Oct 2026 11:48 AM (IST)
tiger-shroff-firing-case-salman-khan-praise-reason-lawrence-bishnoi-gang-motive

Tiger Shroff Firing: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા શૂટરે પોલીસ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, આ હુમલો સલમાન ખાન સાથેના કનેક્શનના કારણે કરવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ શૂટરે કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ ટાઈગર શ્રોફ પાસેથી બદલો લેવા માંગતી હતી. કારણ કે, તેણે વર્ષ 2022 માં એક ફિલ્મનાપ્રમોશન દરમિયાન સલમાન ખાનની પ્રશંસા કરી હતી.

પોલીસની પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, વર્ષ 2022 માં ટાઈગર શ્રોફની ફિલ્મ 'Heropanti 2' ઈદના તહેવાર પર રિલીઝ થઈ રહી હતી. સામાન્ય રીતે ઈદ પર સલમાન ખાનની ફિલ્મો રિલીઝ થતી હોય છે. આ ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં જ્યારે ટાઈગર શ્રોફને ઈદ પર ફિલ્મ રિલીઝ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઇગર' અને તેની સિક્વેલને ધ્યાનમાં રાખીને કહ્યું કે, "આ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત એક જ ટાઇગર છે અને તે સલમાન સર છે; તેમની સામે હું માત્ર એક બિલાડી છું અને એક ટાઈગરનું બચ્ચું છું."

ટાઈગર શ્રોફનું આ નિવેદન તે સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા હુમલાખોર ફૂલ સિંહે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેને આ હુમલાના અસલી હેતુ વિશે વધુ માહિતી નહોતી, પરંતુ વોન્ટેડ આરોપી અને મુખ્ય કાવતરાખોર અનિલ પંડિતે તેને કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તે ટિપ્પણીનો બદલો લેવા માંગે છે. હાલમાં પોલીસ અધિકારીઓ શૂટરના આ દાવાની સઘન તપાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગે અગાઉ પણ સલમાન ખાન સાથે જોડાયેલા લોકોને ધમકી આપી છે. અમેરિકામાં રહેતા અનિલ પંડિત અને ગેંગના સાગરિતો હરમન સંધૂના નામે કેટલાક ઓડિયો મેસેજ પણ સામે આવ્યા હતા. ઓડિયોમાં ચેતવણી આપવામાં આવી કે સલમાન ખાન સાથે કામ કરનારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને પણ નિશાન બનાવી શકાય છે. આ ગેંગ વર્ષ 1998 ના બ્લેકબક શિકાર કેસને લઈને સલમાન ખાન પાસે માફીની માંગ કરી ચૂકી છે.