The Sabarmati Report: ટીવીથી લઈને બોલિવૂડ અને ઓટીટી પર રાજ કરનારી ફેમસ પ્રોડ્યુસર એકતા કપૂર આ સમયે તેની આગામી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ટ્રેલર લોન્ચ દરમિયાન એકતા કપૂરે ધર્મ અને અન્ય ધર્મને લઈને વાત કરી હતી.
'ધ સાબરમતી રિપોર્ટ' નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. 15 નવેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મુંબઈમાં આયોજિત ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ દરમિયાન નિર્માતા એકતા કપૂરે 'ધ સાબરમતી રિપોર્ટ'ના નિર્માણ વિશે વાત કરી હતી. એકતા કપૂરે સ્પષ્ટતા કરી હતી કે તેણે આ ફિલ્મ માટે કોઈ પાર્ટીનો સપોર્ટ નથી માંગ્યો. તે કોઈ પણ વિંગ સાથે જોડાયેલી નથી. આ ફિલ્મ થકી તે કોઈ પણ ઘર્મને નિશાન બનાવવા નથી માંગતી.
એકતા કપૂરે જણાવ્યું કે તે ધર્મનિરપેક્ષ છે. તેનું ફોક્સ માત્ર 2002 માં ગોધરામાં શું થયું હતું તેની હકીકત પર પ્રકાશ પાડવાનો છે. હું હિન્દુ છું એટલે કે ધર્મનિરપેક્ષ છું. હું ક્યારેય કોઈ ધર્મ પર ટિપ્પણી નહીં કરું કારણ કે હું હિંદુ છું. હું તમામ ધર્મને પ્રેમ કરું છું.
ફિલ્મને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી
આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વિશે એકતા કપૂરે કહ્યું કે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. તેને ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી. તે પોતાની ફિલ્મ દ્વારા કોઈ ધર્મને નિશાન નથી બનાવી રહી.
એકતા કપૂરને સેન્સરશિપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને કોઈનો ડર નથી. મેં ક્યારેય ડરીને કામ નથી કર્યું.
